પાલનપુર ડીએસપી, ડીવાયએસપી, પોલીસ કોન્સ્ટેબલ તેમજ ભાભરના શહેર ભાજપ પ્રમુખને વાવના ધારાસભ્યએ નોટિસ ફટકારતા માહોલ ગરમાયો છે. LCB પોલીસને ભાભરના અબાસણા ગામે દારુની રેડ કરી હતી. બાતમીના આધારે થયેલી આ રેડ બાદ તરત જ વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર વિવાદમાં આવ્યા હતાં. હોબાળો એ વાતનો મચી ગયો હતો કે, પોલીસે તેમના ભાઈને દારૂ સાથે અને પીધેલી હાલતમાં પકડીને કાર્યવાહી કરી હતી. ગેનીબેનની છબી ખરડાવવાને બદલ નોટિસ પાઠવવામાં આવી છે.
એફઆઈઆરમાં ઉલ્લેખ ન હોવા છતાંય આરોપી ગેનીબેનનો ભાઈ છે એવી વાત જાહેરમાં આવે જ કેવી રીતે અને એ બાબતના આક્ષેપ કેવી રીતે થયા એ બાબતે માફી માંગવાની ગેનીબેન ઠાકોર આ નોટિસ મારફત માંગણી કરી રહ્યા છે. ગેનીબેન ઠાકોરે પોલીસ અધિકારીઓ તેમજ ભાભરના શહેર ભાજપ પ્રમુખને માફી માંગવા કહ્યું છે. તેમણે 10 પાનાની નોટિસ પાઠવી જણાવ્યું છે કે, જો ત્રણ દિવસમાં નોટિસનો જવાબ મળે તો5 કરોડનો બદનક્ષીનો તેઓ દાવો કરશે.
તાજેતરમાં ધારાસભ્ય ગેનીબેનના ભાઈ રમેશ ઠાકોર દારૂ પીધેલી હાલતમાં બે બોટલો સાથે એલસીબીના હાથે ઝડપાયા બાદ ગેનીબેન ઠાકોર સામે રાજકીય આક્ષેપોની ઝડી વરસી હતી. હવે ધારાસભ્યએ વકીલ મારફત નોટિસ ફટકારી છે.આ નોટિસમાં 13 જેટલા મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદમાં આરોપીનો ઉલ્લેખ ક્યાંય ગેનીબેનના ભાઈ તરીકે ન થયો હોવા છતાં આ તમામે મીડિયા સમક્ષ આપેલા નિવેદનમાં વાવ MLA ગેનીબેન ઠાકોરના ભાઈ શબ્દ વારંવાર ઉચ્ચારી તેમની બદનક્ષી કરી હોવાનું નોટિસમાં જણાવાયું છે.
ગેનીબેનનું કહેવું છે કે, આ રીતની બેજવાબદારીપૂર્વકની વર્તણુંકથી તેમની રાજકિય કારકિર્દીને નુકસાન પહોંચ્યું છે. તેમણે આ તમામને માફી માંગવા જણાવીને કહ્યું છે કે જો તેઓ માફી માંગવામાંથી ચૂકે છે તો તેઓ સામે માનહાનીના વળતર રૂપે પાંચ કરોડનો દાવો કરવામાં આવશે. વધુમાં તેમાં એમ પણ ઉમેરવામાં આવ્યું છે કે, 30 દિવસમાં માંફી માંગી વકીલ ફી અને ખર્ચ પેટે 30 હજારનું વળતર ચૂકવવાનું રહે છે.