રાજ્યમાં ફરી એકવાર ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે.ભુજ-ભચાઉ હાઇવે પર એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો.જેમાં બે ભાઇઓ સહિત ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.આ અકસ્માતની જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા,તેમજ આ અંગે પોલીસ અને 108ને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ઘાયલોને સારવાર અર્થે દાખલ કરાવ્યા હતા અને લાશને પીએમ અર્થે ખસેડી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ, ભુજ-ભચાઉ હાઇવે પર આજે વહેલી સવારે દીવ-સોમનાથથી દર્શન કરી પરત માધાપર આવતા સોની પરિવારની તુફાન જીપનો અકસ્માત થયો હતો.જેમાં કૂતરું જીપની આડે આવતા તેને બચાવવા જવા જતા આ અકસ્માતની ઘટના બની હતી.જેમાં માર્ગ પર કૂતરું આડું ઊતરતા તેને બચાવવા જતાં જીપકાર ડાબી તરફના પુલિયાની દીવાલ સાથે ધડાકાભેર ટકરાઈ હતી.
આ તુફાન અથડાતા બે ભાઇઓ સહિત ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ કમ,કમાટીભર્યા મોત થયા હતા.જેના કારણે હાઇવે પર મરણચીસો ગુંજી ઉઠી હતી.જ્યારે આઠ સભ્યોને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ મોક્લવવામાં આવ્યા હતા.જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થતા તેનો પરિવાર ઘેર શોકમાં સરી પડ્યો છે.જો કે આ અંગે પોલીસને જાણ થતા પ્રાથમિક માહિતીના આધારે પધ્ધર પોલીસે તપાસ હાથ ધરી છે.
ભોગ બનનાર દીવ ફરીને સોમનાથ દર્શન કરીને પરત ફરતા હોવાની પ્રાથમિક જાણકારી મળી છે.જીવ ગુમાવનાર માધાપર ગામની બાપા દયાળુ સોસાયટીમાં રહેતા દિનેશ સુરેન્દ્ર સોની, તેમના ભાઈ મનોજ સુરેન્દ્ર સોની અને દિલીપ હિરજી સોનીનું ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.જેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.