સુરત સહિત રાજ્યની તમામે તમામ સબ રજીસ્ટ્રાર કચેરીમાં સર્વર ડાઉન થયા હોવાની ફરિયાદ સાથે કામગીરી ઠપ થઈ ગઈ છે. સવારથી કચેરીએ નોંધણી માટે આવેલા અનેક અરજદારોને અટવાઈ જવાનો વારો આવ્યો હતો. એકપણ અરજીનું સામાન્ય કામ પણ શક્ય ન થયું હતું. અધુરામાં પુરું સર્વર ક્યારે ફરીથી કામ કરતું થશે તે અંગે કોઈ સ્પષ્ટતા ન થતાં અરજદારો અસમંજસમાં મુકાઈ ગયા છે. સુરત સહિત રાજ્યભરમાં આજે સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં સર્વર ખોટકાયા હોવાની બૂમરાણ મચી હતી.
read more: ફિલ્મ લેખક અને વિવેચક જયપ્રકાશ ચૌકસેનું નિધન, 82 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
જિલ્લાની તમામ કચેરીમાં અરજદારોને ધક્કા થયા હતા. ઘણા અરજદારો જેઓ દૂરથી આવ્યા હતા તેઓએ સર્વર ફરી કાર્યરત થાય તેની રાહ પણ જોઈ હતી. પરંતુ દૂરદૂર સુધી એંધાણ ન વર્તાતા છેવટે કંટાળીને ચાલતી પકડવાનો વારો આવ્યો હતો. સર્વરની સમસ્યા ક્યારે હલ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા પણ કરવામાં આવી ન હોવાથી લોકો અકળાયા હતા.
જાણકાર સુત્રોના કહેવા પ્રમાણે, રાજ્યભરમાં સર્વર કામ કરતાં બંધ થઈ જવાથી સબ રજિસ્ટ્રાર કચેરીઓની કામગીરી ખોરવાઈ છે. રાજ્ય સ્તરે સૂચના મળી છે હાલ સમસ્યાનો ઉકેલવા મથામણ ચાલી રહી છે અને ફોલ્ટ રિપેર થતાં જ જાણ કરવામાં આવશે.