સુરત જિલ્લાના ખેતી અધિકારીઓની ટીમે મળેલી બાતમીના આધારે સચિન જીઆઈડીસી સ્થિત રૂદ્રાક્ષ સિન્થેટીકસ પ્રા.લી.માં દરોડો પાડવામાં આવ્યો હતો. ખેતીવાડી અધિકારીઓને આ કંપનીમાંથી અંદાજે રૂ, ૨૦૭૨ની કિંમતનો મનાતો ૩૫૦ કિલો નીમકોટેડયુકત સબસીડીયુકત ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. ખેતી અધિકારી દ્વારા કંપનીના બે ડિરેકટર્સ વિરૂદ્ધ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, તા.૨૪/૧૨/૨૦૨૨ના રોજ સંયુકત ખેતી નિયામક(વિ.) સુરતની સુચના આધારે બપોરે પોણા એકાદ વાગ્યાના અરસામાં પ્લોટ નં. ૫૫૩૫, રોડ નંબર ૫૫, સચિન જીઆઇડીસી સ્થિત રૂદ્રાક્ષ સિન્થેટિક્સ પ્રા.લી.માં દરોડો પાડવામાં આવ્યો હતો. નાયબ ખેતી નિયામક(વિ.) સી.આર.પટેલ, મદદનીશ ખેતી નિયામક આર.બી.પટેલ, મદદનીશ ખેતી નિયામક(કપાસ) ડી.જે.હાંસોટિયા, સુરત સિટીના ખેતી અધિકારી વી.આર.કોરાટ તથા કામરેજના ખેતી અધિકારી વી.આર.બલદાણીયા તેમજ ખેતી અધિકારી વી.આર.મેતલિયાની સંયુક્ત ટીમે સ્થળ તપાસ કરતા કંપનીમાં કલર સ્ટોરની અંદર GNFC કંપની દ્વારા ઉત્પાદિત ૪૫ કિલો ભરતી વાળી કંપની પેકિંગમાં ટેકનિક્લ યુરિયાની ૧૨ બેગ મળી આવી હતી. બેગ ઉપર લાલ રંગના ચોરસ પટ્ટા દોરેલા જેમાં સફેદ રંગથી “TECTINICAL URELA બંન્ને બાજુ પ્રિન્ટ હતી તેમજ બેગ ઉપર કાળા આકારમાં TECHNICAL GRADE UREA FOR INDUSTRIAL USE ONLY પ્રિન્ટ તથા નીચે લાલ રંગમાં GNFC કંપનીનો લોગો અને નામની પ્રિન્ટ પણ જોવા મળી હતી.
એ ઉપરાંત વધુ તપાસ હાથ ધરતાં કલર સ્ટોરમાં અંદાજીત ૫૦ કિલો ક્ષમતા ધરાવતી એક કાળા રંગની પ્લાસ્ટીકની પીપ મુકેલી જણાઈ હતી. આ પીપ ખોલતા પ્રાથમિક દ્રષ્ટિએ ખેતવપરાશ માટે સરકાર દ્વારા અપાતાં સબસિડીયુક્ત નીમકોટેડ યુરિયા (એક K″ ની આશરે કિંમત રૂપીયા ૫.૯૨) હોવાનું જણાતા કલર સ્ટોરની વધુ તપાસ કરતા બીજા પ્લાસ્ટીકના આવા જ પ્રકારના વધુ ૨૪ પીપ જોવા મળ્યા હતા. આ તમામ પીપની તપાસ કરવામાં આવતાં વધુ ૮ પીપમાં પણ પ્રાથમિક દ્રષ્ટિએ ખેતવપરાશ માટેના સરકાર દ્વારા આપવામાં આવતાં સબસીડીયુક્ત નીમકોટેડ યુરિયા હોવાનું જણાઈ આવ્યું છે.
સબસિડીયુક્ત નીમકોટેડ યુરિયા હોવાની શંકાના આધારે તમામ નવ જેટલા નમુનાઓ બારડોલીની રાસાયણિક ખાતરની પ્રયોગશાળામાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. તે તમામ નમુનાઓ તા.૩૧/૧૨/૨૦૨૨ના રોજ પૃથક્કણ અહેવાલો નીમ કોટેડ યુરીયા ટેસ્ટમાં પોઝીટીવ જાહેર થતા સરકારના સબસીડીયુકત ખેતવપરાશન અંગેનું નીમકોટેડ યુરીયા ખાતર જ હોવાની ખાત્રી થઈ હતી. આ અંગે તા.૦૩/૦૧/૨૦૨૩ના રોજ રૂદ્રાક્ષ સિન્થેટિકસ પ્રા.લી.ને કારણદર્શક નોટીસ આપી ખુલાસો માંગવામાં આવ્યો હતો. કંપનીના એક ડિરેકટર મિતુલ મહેતાએ પૃથ્થકરણ અહેવાલો સાથે સહમત ન હોવાનું જણાવીને રિએનાલીસીસની માંગણી કરી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને સેમ્પલ ખેતી નિયામક( ગુ.રા.) દ્વારા એનાલિસીસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. જેમાં ફરી આઠ નમુનાઓમાં નીમ ઓઈલ હોવાનું જ પ્રસ્થાપિત થયું હતું.
યોગ્ય ચકાસણી અને પૂરાવાઓ મળ્યા બાદ સુરત સિટીના ખેતી અધિકારી વિશાલ કોરાટે આ અંગે તા.૨૨/૦૬/૨૦૨૩ના રોજ સચિન પોલીસ સ્ટેશનમાં રૂદ્રાક્ષ સિન્થેટીકસ ડિરેકટર મિતુલ મહેતા તથા નિલેશ વિસાવે વિરૂધ્ધ સરકારના સબસિડીયુકત નીમ કોટેડ યુરીયાનો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રે ગેરકાયદેસર વપરાશ કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. વધુ તપાસ સચિન પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.કે.સોલંકી કરી રહ્યા છે.