રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે ભારતને સસ્તુ ક્રુડતેલ પુરુ પાડી અને રશિયા દોસ્તી તો નિભાવી રહ્યું છે પરંતુ એ જ સમયે રશિયામાં રફ ડાયમંડનું કામકાજ કરતી માઈનીંગ કંપની અલરોસા પર અમેરિકાના પ્રતિબંધની અસરથી ભારતના હીરા ઉદ્યોગના માઠાં દિવસો આવ્યા છે. અલરોસા પરના પ્રતિબંધને કારણે અમેરિકા કે યુરોપમાં પોતાના કાચા હીરાનું વેચાણ કરી શકતી નથી. ભારત કાચા હીરાનું સૌથી મોટુ આયાતકાર છે. સુરતમાં હીરા ઘસવાનો વિશ્વનો સૌથી મોટો ઉદ્યોગ છે. અલરોસા ઈફેક્ટ અત્યારે એ છે કે, કાચા હીરાની આયાતમાં કાપ મુકી દેવાની ફરજ પડી રહી છે. રફમાં તોતિંગ ભાવવધારાને કારણે રફ હીરાની આયાતમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
જાણકારોના કહેવા પ્રમાણે, ભારતમાં કટીંગ અને પોલિસ કર્યા બાદ આ રશિયન કંપની તેનો માલ અમેરિકામાં વેચે છે અને તેનાથી આંતરરાષ્ટ્રીય કારોબાર પર ભારતનો કન્ટ્રોલ યથાવત રહ્યો છે પરંતુ ભારતને આ હીરાના જંગી વેચાણથી રશિયન કંપનીને જે આવક થઈ રહી છે તેનાથી રશિયાના યુદ્ધના ખર્ચમાં પણ યોગદાન આપવું પડે છે. અલરોસાના સીઈઓ રશિયાના સૌથી પાંચ ધનવાનો પૈકી એક છે. અલરોસા પર વ્યક્તિગત રીતે અમેરિકાનો પ્રતિબંધ છે અને આ કંપનીમાં 66 ટકા માલિકી રશિયાની સરકારની છે. અલરોસા કંપની રશિયન ડીફેન્સ સબમરીન પ્રોગ્રામ અને ન્યુકલીયર એનર્જી પ્રોગ્રામ સાથે પણ જોડાઈ હોવાથી અમેરિકા તેના પર દબાણ વધારી રહી છે. આ સ્થિતિ હાલ નજીકમાં બદલાય તેવા કોઈ એંધાણ વર્તાઈ રહ્યા નથી ત્યારે સુરતમાં અનેક હીરાના કારખાનાઓ કફોડી હાલતમાં મૂકાઈ ચૂક્યા છે અને એકંદરે સુસ્ત એવી ક્રિસમસ સિઝન પત્યા બાદ તેની અસરો ચિંતા ઉપજાવી રહી છે.