ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં જાણે કે માનવ મહેરામણ જામ્યું છે. આ સાથે રામના નામે લૂંટ પણ શરૂ થઈ ગઈ છે. અહીં પૂર્ણ થયેલ મલ્ટિલેવલ પાર્કિંગમાં એક રેસ્ટોરન્ટમાં ખાદ્યપદાર્થોના ભાવ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. અહીં ચા 55 રૂપિયા અને ટોસ્ટ 65 રૂપિયામાં વેચાઈ રહી છે. જો કે, અયોધ્યા પ્રશાસનને આ અંગે જાણ થતા તેણે તાત્કાલિક પગલા ભર્યા છે અને યોગ્ય કિંમત જાહેર કરવાનો આદેશ આપ્યો છે.
મલ્ટિલેવલ પાર્કિંગમાં ચાલતી શબરી રસોઈમાં 2 ચા અને 2 ટોસ્ટ માટે 240 રૂપિયા વસૂલવાનું બિલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આના પર અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીના ઉપાધ્યક્ષ વિશાલ સિંહે અરુંધતી ભવનમાં ચાલતા રેસ્ટોરન્ટ ઓપરેટરની નોંધ લીધી છે અને જવાબ માંગ્યો છે.
ADA વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે વાયરલ મેસેજમાં રેટ સામાન્ય દરો કરતા ઘણા વધારે છે. આનાથી ADAની છબી ખરાબ થઈ છે. જેમાં વાજબી દર જારી કરતી વખતે 24 કલાકમાં કચેરીને માહિતી આપવામાં આવશે તેમ જણાવાયું છે.
જો કે, શબરી રસોઇના મેનેજર સત્યેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે દર તેમની અનુકૂળતા મુજબ છે, જે પણ નોટિસ આવશે તેનો જવાબ આપવામાં આવશે.
પ્રાણ પ્રતિષ્ઠા પછીના પ્રથમ દિવસે એટલે કે 23મી જાન્યુઆરીએ જ્યારે મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા ત્યારે લાખો ભક્તો ત્યાં એકઠા થયા હતા. મળતી માહિતી મુજબ દરરોજ બે લાખથી વધુ રામ ભક્તો સરળતાથી શ્રી રામ લલ્લાના દરબારમાં પહોંચીને દર્શન અને પૂજા અર્ચના કરી રહ્યા છે. અયોધ્યા શહેરથી લઈને મંદિર પરિસર સુધી દિવસભર જય શ્રી રામના નારા ગુંજી રહ્યા છે. શ્રી રામ લલ્લાના દર્શન કરવા દેશ-વિદેશ, વિવિધ રાજ્યો અને ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો દરરોજ આવી રહ્યા છે. રવિવારે પણ લગભગ 3.25 લાખ ભક્તોએ શ્રી રામ લલ્લાના દર્શન કર્યા હતા.