રાજ્યમાં ડમ્પરચાલકો માતેલા સાંઢની જેમ ફરે છે.અવારનવાર બેફામ ડમ્પરોના કારણે નિર્દોષ લોકોના ભોગ લેવાઈ રહ્યા છે.ત્યારે આજે ફરી એકવાર વડોદરાના લક્ષ્મીપુરા રોડ પર ડમ્પરે બાઈકચાલકને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ યુવકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જ્યારે બાઇકચાલક પાછળ બેઠેલા યુવકનો આબાદ બચાવ થયો હતો.આ અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા.જે બાદ આ અંગે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી અકસ્માતની નોંધ લઇ આગળની તજવીજ હાથ ધરી છે.
વડોદરાના લક્ષ્મીપુરા રોડ પર સ્વામી વિવેકાનંદ હાઈટ્સ પાસે ચાર રસ્તે અકસ્માતની ઘટના સામે આવી છે.આ ઘટનામાં ડમ્પરચાલકે એક સામેથી આવતા બાઇકચાલકને ટક્કર મારતા બાઈક પર બેસેલ વ્યક્તિ દૂર સુધી હવામાં ફંગોળાયો હતો.તેમજ બાઈક સવાર બે પૈકી એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય યુવકને ઈજા થતાં સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.આ બનાવની જાણ થતાં લક્ષ્મીપુરા પોલીસ તેમજ એસીપી બી ડિવિઝન સ્થળ પર દોડી આવ્યા હતા. અકસ્માત ભયાનક હોવાથી તાત્કાલિક સ્થાનિક કોર્પોરેટર અને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. આ અકસ્માત સર્જનાર ડમ્પરચાલકની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અહીં સવાલ એ ઉભો થાય છે કે અવારનવાર અકસ્માતની ઘટના સર્જાયા કરે છે.ત્યારે શા માટે તંત્ર દ્વારા કોઈ જવાબદાર વ્યક્તિ સામે પગલાં નથી લેવામાં આવતા? આ બનાવ અંગે સ્થાનિકો દ્વારા વારંવાર અહીં બમ્પ લગાવવા અંગે રજૂઆત કરાઈ છે છતાં તંત્ર દ્વારા બમ્પ લગાડવામાં આવતો નથી, ત્યારે સ્થાનિકો પણ રોષે ભરાયા હતા. અકસ્માત સ્થળે લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં અને આ સમગ્ર ઘટનાને લઇ લોકોએ ડમ્પરચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માગ કરી હતી.
હાલમાં,પોલીસે આ અકસ્માતની નોંધ લઇ લાશને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.તો બીજી તરફ આ યુવકના મોતના પગલે તેનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે.