પીએમ નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIAને ઈ-મેલ દ્વારા આપવામાં આવી હતી. NIAને મોકલવામાં આવેલા ઈ-મેલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઈ-મેલ મોકલનારએ કહ્યું છે કે જો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને છોડવામાં નહીં આવે અને 500 કરોડની રકમ ચૂકવવામાં નહીં આવે તો તે તેની ધમકીને અંજામ આપશે. ઈ-મેઈલ કરનારે દાવો કર્યો છે કે પીએમ મોદીની હત્યા કરવા અને સ્ટેડિયમને ઉડાવી દેવા માટે આતંકવાદી જૂથોએ પહેલાથી જ લોકોને તૈનાત કરી દીધા છે.
ઈ-મેલ મોકલનારએ લખ્યું છે કે જો સરકાર અમને 500 કરોડ રૂપિયા આપવામાં અને લોરેન્સ બિશ્નોઈને છોડવામાં નિષ્ફળ જશે તો અમે નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દઈશું. આ ઈ-મેલમાં લખવામાં આવ્યું છે કે ભારતમાં બધું જ વેચાય છે અને અમે પણ કંઈક ખરીદ્યું છે. ઈ-મેલમાં વધુમાં લખવામાં આવ્યું છે કે તમે ગમે તેટલી સુરક્ષા કરો, તમે અમારાથી બચી શકશો નહીં. ઈ-મેઈલ મોકલનારએ આગળ લખ્યું છે કે જો તમારે કોઈ વાતની ચર્ચા કરવી હોય તો આ ઈ-મેલ પર કરો.
NIAએ આ ઈ-મેલ મુંબઈ પોલીસને મોકલ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મોદીના જીવને ખતરો આપતો આ ઈમેલ યુરોપના કોઈ દેશમાંથી મોકલવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે હાલમાં મોદીને ધમકીનો મામલો નકલી લાગે છે. તેમ છતાં પોલીસ દરેક રીતે તપાસ કરી રહી છે. મુંબઈમાં ક્રિકેટ મેચ દરમિયાન સ્ટેડિયમમાં કડક સુરક્ષાની તૈયારીઓ પણ કરવામાં આવી છે. મુંબઈ પોલીસ આ માટે સમીક્ષા બેઠક યોજી રહી છે. આ અગાઉ ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના ગુરપતવંત સિંહ પન્નુએ વર્લ્ડ કપ ક્રિકેટ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર હુમલો કરવાની ધમકી આપી હતી.