રાજસ્થાનના અજમેરમાં એક હેડ કોન્સ્ટેબલ રૂપિયા ૬૦ હજારની લાંચ લેતા ઝડપાયો છે. લાંચ લીધા બાદ પોલીસ કર્મચારીને ભનક પડતાં એ પોલીસ સ્ટેશનની દીવાલ કૂદીને ઘરે ભાગી ગયો હતો. ઘરે એન્ટિ-કરપ્શનની ટીમને જોઈ બાઘા બનેલા આ પોલીસકર્મીએ લાંચના 60 હજાર રૂપિયા ટોઈલેટમાં નાખી દીધા. હેડ કોન્સ્ટેબલ હાલ પોલીસ હવાલાતમાં છે.
અજમેરનો આ હેડ કોન્સ્ટેબલે એક કેસમાં 3 લાખની ડિમાન્ડ કરી હતી. એન્ટિ-કરપ્શન વિભાગને આ બાબતે ફરિયાદ મળી તો છટકું ગોઠવતાં બ્યુરોએ ફરિયાદીને પાવડરવાળી નોટના 60 હજાર સાથે મોકલ્યો હતો. લાંચના 60 હજાર મળ્યા બાદ તરત જ તેને કંઈક રંધાયું હોવાની ભનક પડી હતી અને એ પોલીસકર્મી બાથરૂમ જવાના બહાને પોલીસ સ્ટેશનની દીવાલ કૂદીને ત્યાંથી ભાગી ગયો હતો.
read more: કરદાતાને ઓછામાં ઓછું એક વખત રૂબરુ રજુઆત કરવા સમય આપવો પડશે
હેડ કોન્સ્ટેબલનું તરત જ લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું તો એ પોતાના ઘરે છુપાયો હોવાનું બહાર આવ્યું. એસીબીની ટીમ પોલીસકર્મીના ઘરે પહોંચી ગઈ. તેણે દરવાજો ન ખોલતાં એસીબીનો સ્ટાફ દીવાલ કૂદીને તેના ઘરમાં ઘૂસી ગયો હતો.
એસીબીની ટીમને જોઈ છતાં પોલીસકર્મીએ લાંચ લીધી જ ન હોવાનું રટણ શરૂ કર્યું પરંતુ, તેનું પેન્ટ ચેક કરવામાં આવ્યું ત્યારે તેમાંથી પાવડરનો કલર નીકળ્યો હતો. જે લાંચની રકમમાં લગાવામાં આવ્યો હતો. કડકાઈપૂર્વક પૂછપરછ કરતા તેણે ખૂલાસો કર્યો હતો કે લાંચ પેટે સ્વીકારેલા રૂપિયા 60 હજાર ટોઈલેટમાં નાખી દીધા છે.