શિયાળાની ઋતુ જામવા સાથે જ દેશમાં ફરી એકવખત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 614 નવા કેસ નોંધાયા છે. આ પહેલા 21 મેના રોજ 600 થી વધુ કેસ મળી આવ્યા હતા. દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 2311 થઈ ગઈ છે. અમદાવાદમાં પણ 7 એક્ટિવ કેસો નોંધાયા છે, તો સિવાય એક કેસ રાજકોટમાં પણ થયો હોવાની બિનસત્તાવાર વિગતો બહાર આવી રહી છે.
રાજકોટમાં લાંબા સમય બાદ કોરોનાનો નવો કેસ નોંધાતા લોકોમાં જૂની ભયાવહ યાદો તાજી થવા સાથે ગભરાટ ફેલાયો છે. સુત્રોનું માનીએ તો 52 વર્ષીય એક આધેડ મહિલા કોરોનાની લપેટમાં આવ્યા છે. વળી ચિંતાની વાત એ છે કે, આ મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી.ખાનગી લેબમાં આ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી મળી રહી છે આ મહિલા હાલ હોમ આઇસોલેટ હોવાનું જાણવા મળ્યું છે.
બીજીતરફ અમદાવાદ આરોગ્ય વિભાગના સુત્રો તરફથી મળતી વિગતો અનુસાર અમદાવાદમાં કોરોનાના 7 એક્ટિવ કેસ નોંધાયા છે. 7 કેસ પાછલા એક સપ્તાહ દરમિયાન નોંધાયા છે. સતત વધતાં કોરોના કેસને ગંભીરતાથી લઈ આરોગ્ય વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે.
આ સાથે સમગ્ર દેશમાં કોરોના કેસોની સંખ્યા 4.50 કરોડ પર પહોંચી ગઈ છે. આ રોગમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 4,44,70,346 થઈ ગઈ છે અને રાષ્ટ્રીય રિકવરી રેટ 98.81 ટકા છે, જ્યારે કેસમાં મૃત્યુ દર 1.19 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડ લોકો રસીના સંપુર્ણ ડોઝ લઈ ચૂક્યા છે.