દર વર્ષે યુએસ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર એક અહેવાલ તૈયાર કરે છે અને તેને ગૃહમાં રજૂ કરે છે. આ વખતે અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ભારતમાં લઘુમતીઓ સાથે થતા ભેદભાવની વાતો કરવામાં આવી છે. આ રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી બાબતો છે, જેનો આપણા વિદેશ મંત્રાલયે વિરોધ કર્યો છે અને રિપોર્ટને પક્ષપાતી ગણાવ્યો છે. ભારત ઉપરાંત રશિયા, ચીન, સાઉદી અરેબિયા જેવા દેશોને પણ આ રિપોર્ટમાં સામેલ કરવામાં આવ્યા છે, પરંતુ વિચારવા જેવું એ છે કે અમેરિકાએ ખુદને આ રિપોર્ટથી દૂર રાખ્યું છે. પ્રશ્ન એ છે કે શા માટે આવા ડબલ સ્ટાન્ડર્ડ ?
હકીકત તો એ છે કે, અમેરિકામાં હેટ ક્રાઈમમાં 12 ટકાનો વધારો થયો છે. જાણી લો કે આ ડેટા એફબીઆઈ દ્વારા જ જાહેર કરવામાં આવ્યો છે. ખૈર આંકડાઓ પર પછી જઈશું, સૌથી પહેલા જાણી લો કે હેટ ક્રાઈમ ક્યારે ક્યારે હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. અમેરિકામાં ધર્મના આધારે વારંવાર હિંદુઓને હેવાનિયતનો ભોગ બનવું પડ્યું છે.
ગયા વર્ષે એક અમેરિકન રેસ્ટોરન્ટની બહાર એક ભારતીય અને તેના પુત્ર સાથે મારપીટ કરવામાં આવી હતી.
વર્ષ 2022માં જ કેટલીક અમેરિકન મહિલાઓએ ટેક્સાસમાં ચાર ભારતીય મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરી હતી.
વર્ષ 2019માં એક ભારતીય પૂજારી પર હુમલો થયો હતો. કારણ એ હતું કે પૂજારીએ ધાર્મિક વસ્ત્રો પહેર્યા હતા.
વર્ષ 2019માં જ ભારતીયો સાથે હેટ ક્રાઈમનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. કેન્ટુકીમાં સ્વામી નારાયણ મંદિર પર હુમલો થયો હતો. મૂર્તિ પર કાલિખ પોતવામાં આવી હતી અને મંદિરમાં લખવામાં આવ્યું કે ઈશુ એકમાત્ર ભગવાન છે.
2017માં પણ ટેક્સાસમાં એક મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. મંદિરની દિવાલો પર ગંદા ચિત્રો બનાવવામાં આવ્યા હતા.
ન્યૂયોર્કમાં મંદિરની બહાર આવેલી ગાંધીજીની પ્રતિમાને 6 બદમાશો દ્વારા મહિનામાં બે વખત તોડવામાં આવી હતી.
હવે આંકડા પર આવીએ છીએ. અમેરિકામાં હેટ ક્રાઇમના આંકડાઓ ખૂબ જ ચિંતાજનક છે. અમેરિકન એજન્સી એફબીઆઈએ આ વર્ષે 2021 હેટ ક્રાઈમ રિપોર્ટ જાહેર કર્યો. આ રિપોર્ટ અનુસાર અમેરિકામાં વર્ષ 2020ની સરખામણીમાં 2021માં હેટ ક્રાઇમના કેસમાં વધારો થયો છે. એફબીઆઈના રિપોર્ટ અનુસાર, 2021માં અમેરિકામાં 9 હજારથી વધુ નફરતના ગુનાઓ હતા જેમાંથી 1 હજારથી વધુ ધાર્મિક આધાર પર હતા.
અમેરિકામાં માત્ર હિન્દુઓ સાથે જ નહીં પરંતુ યહૂદી, મુસ્લિમ, શીખ, બૌદ્ધ સાથે પણ ધર્મના આધારે ભેદભાવની ઘટનાઓ બની છે. આ રિપોર્ટ અનુસાર, આવા સૌથી વધુ કેસ યહૂદીઓ વિરુદ્ધ નોંધાયા છે, જ્યારે બીજા નંબરે નફરતના અપરાધની ઘટનાઓ શીખો વિરુદ્ધ નોંધાઈ છે. અમેરિકામાં હેટ ક્રાઈમના મામલા ઝડપથી વધી રહ્યા છે, તેમ છતાં અમેરિકા તેમના પર ધ્યાન નથી આપી રહ્યું. ધાર્મિક ભેદભાવનો જે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો તેમાં પણ પોતાના દેશનો તો સહેજે ઉલ્લેખ જ નથી.