ગુજરાતની આર્થિક પાટનગરી સુરતની વૈશ્વિક ઓળખ એટલે ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ અથવા સિલ્ક સિટી. 50 લાખથી વધુની વસ્તી દેશભરમાંથી રોજીરોટી માટે વસીને સુરતીલાલા કહેવડાવવાનું ગૌરવ અનુભવે છે. રોજી-રોટી બાદ શહેરમાં આવતા લોકોની સૌથી મોટી પ્રાથમિક્તા હોય છે સુરક્ષિતતા. પરિવાર સાથે નિર્ભય જીવનની જવાબદારી આપણા માટે પોલીસ નિભાવે છે. અત્યાર સુધી સુરત માટે એ સૌથી મોટો પડકાર માનવામાં આવતો હતો પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સ્થિતિ બદલાઈ ગઈ હોય તેવી પ્રતિતી સુરતીઓ કરી રહ્યા છે.
થોડા સમય પૂર્વે સુરતમાં ફ્રેન્ડ્સ ઓફ પોલીસની યોજના શરૂ થઈ હતી પરંતુ તેના હાલહવાલ સૌ જાણે છે. હવે સુરતીઓ ગૌરવ એટલા માટે અનુભવી રહ્યા છે કે, સુરત પોલીસ ખુદ જ ફ્રેન્ડ બનીને ઊભી રહી છે. શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમરના નવતર પ્રયોગોને આભારી બદલાયેલી પોલીસની કેટલીક તસવીરો અત્રે પ્રસ્તુત છેઃ
સુરત શહેર પોલીસની ખડેપગ ફરજ ઉપરાંત જે નવતર પ્રયોગો શહેરીજનોના મન મોહી રહ્યા છે તેમાં સૌથી ઉપર છે, શહેર પોલીસની PT પરેડ જે તેઓ સુરતનાં જુદા જુદા ગાર્ડન્સમાં જઇને કરે છે. કોરોનાકાળ બાદ લોકો ઘરની બહાર ફરી ખુલ્લી હવામાં સ્વસ્થ મનથી શ્વાસ લે જરૂરી છે ત્યારે શહેરીજનો સાથે રૂબરૂ થઈ અધિકારીઓ વડીલો અને શહેરીજનો સાથે સંવાદ સાધી તેમનામાં એક નવી તાજગી ભરે છે.
સ્કુલ, ટ્યુશન, ઈતર પ્રવૃત્તિઓ કરતી દીકરીઓની સલામતી અને સુરક્ષા માટે તેમના વાલીઓ સતત તેમની સાથે તો રહેવાના નથી, એ સમયમાં દિકરીઓ પોતાની જાતે કેટલીક સમજો કેળવે અને એવા ગુનેગારો સમાજમાં ડરતાં રહે એ દિશામાં સુરત પોલીસની એક પહેલ શહેરમાં દિકરીઓના વાલીઓ માટે આશિર્વાદ સમાન છે. સુરત શહેર પોલીસની SHE ટીમ દ્વારા ‘ગુડ ટચ-બેડ ટચ’નું અભિયાન શરૂ કરાયું છે.
આ અભિયાન અંતર્ગત ટીમ શહેરની વિવિધ શાળા અને સમાજ વચ્ચે ઉપસ્થિત રહી દીકરીઓને ગુડ ટચ-બેડ ટચ અંગેની સમજ આપી રહી છે.એક કિસ્સામાં બેડ ટચ-વિશેનો ખ્યાલ મેળવ્યા પછી તરત સ્કૂલની 13 વર્ષની દીકરીએ એનાં પ્રિન્સિપાલને જઇને કહ્યું કે-મને આવા બેડ ટચનો અનુભવ થયો છે. પ્રિન્સિપાલે તરત જ SHE ટીમનો સંપર્ક કર્યો. SHE ટીમે દીકરી સાથે વાત કરી, માહિતીઓની પુષ્ટિ કરી અને તાત્કાલિક જ ફરિયાદ દાખલ કરાવી.
હાલના સમયમાં દુનિયા ઝડપભેર આંગળીના ટેરવા પર રમવા લાગી છે એટલે કે મોબાઈલ દ્વારા ઓનલાઈન એક્ટિવિટી વધી છે ત્યારે સાયબર ક્રાઈમ અંગે અવેરનેસ જરૂરી છે. આ વિશાળ ફલક પર પોલીસ ખુદ પણ જાણકાર હોવી પહેલા તો જરૂરી છે. પોલીસકર્મીઓ માટે સાયબર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરી તેમને સાયબર સિક્યોરિટી, સાયબર ક્રાઇમ વગેરે વિશે માહિતી દ્વારા અપ-ટુ-ડેટ કરાઈ રહ્યા છે.
વિદ્યાર્થીઓ માટે પણ સાથોસાથ સાયબર જાગૃતિ અંગેના કાર્યક્રમ સુરત શહેર પોલીસ આયોજીત કરી રહી છે જેનાથી વિદ્યાર્થીઓ સાયબર સેફ્ટી વિશે માહિતગાર રહે અને કોઈ ગુનેગારોના ઝાંસામાં આવતા બચી શકે.
એવી જ રીતે વિવિધ વ્યવસાયીઓને પણ ગુનેગારોથી સાવચેત રહેવાના પાઠ ભણાવી સુરત પોલીસ એક આત્મવિશ્વાસભર્યું વાતાવરણ તૈયાર કરવામાં સફળ રહી છે. જેમકે, ડાયમંડ વર્કર્સ હોય કે ટેક્સટાઈલના વેપારી વર્ગ માટે વિવિધ સેમિનારનું આયોજન. થોડા સમય અગાઉ, ડુમસ સ્થિત અવધ ઉટોપિયા ખાતે હોટલ મેનેજમેન્ટ સ્ટાફ માટે પણ મહિલા સુરક્ષા કાઉન્સેલિંગ તથા સેલ્ફ ડિફેન્સ તથા સાઇબર ક્રાઇમ અવેરનેસ સેમિનાર યોજાયો હતો.
પ્રજામાં આ પ્રયાસો લોકપ્રિય એટલા માટે સાબિત થઈ રહ્યા છે કે તેમાં પોલીસ કમિશનર અજય કુમાર તોમર અને તેમની ટીમનું દિલ રેડાયેલું જોવા મળે છે, તેમાં સરકારી ખાનાપુરતી જેવું નથી લાગતું. શહેરીજનોની રોજ-બરોજની જીંદગીને સરળ અને સલામત બનાવવા સુરત શહેર પોલીસ કટિબધ્ધ છે એવું હવે માનતો વર્ગ શહેરમાં વધી ગયો છે. પતિ-પત્નિ બંને કામ કરી છેડો એક કરતાં હોય તેવા પરિવારોમાં બાળકોની જવાબદારી ઉપાડી લેવાનું કામ પણ સુરત પોલીસ કરી રહી છે, પાંડેસરા પોલીસ સ્ટેશનની SHE ટીમે પાંડેસરા ભેસ્તાન ઉદ્યોગભારતી સ્કૂલ ખાતે ‘ડે કેર’ હોમ શરૂ કર્યું, અહીં બાળકો વચ્ચે તેમને જોવાનો લ્હાવો અલગ જ છે.
લોકજાગૃતિ સાથે ડિટેક્શનની ફરજ પણ રંગ લાવી જ રહી છે તો સાથે ગુનેગારોને કડક મેસેજ મળે તેવી પણ કોઈ તક પોલીસ હાલ છોડી નથી રહી, વિવિધ વિસ્તારમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મોટર સાઇકલ પેટ્રોલિંગ તથા ફૂટ પેટ્રોલિંગ પણ તેની સાબિતી પૂરે છે.
જોકે, સુરત પોલીસની કામગીરીને ચાર ચાંદ લગાવી જતી કોઈ ચિરસ્મરણીય ઘટના હોય તો એ સુરતની વર્ષો જૂની પરંપરા “ઘીસ”ને ફરી પાછી જીવંત કરવામાં સુરત શહેર પોલીસનું સહભાગી બનવું. અત્યારસુધી કોઈ રાજકારણી કે અગ્રણીઓને પણ તેની સુઝ ન પડી અને સુરત પોલીસે એ બિડું ઉઠાવી પ્રજામિત્રની યાદગાર મિશાલ રજૂ કરી છે.