ઋષિકેશથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદની એક મહિલા પ્રવાસી મંગળવારે લક્ષ્મણઝુલાના મસ્તરામ ઘાટ પર સ્નાન કરતી વખતે ગંગામાં ડૂબી ગઈ હતી. માહિતી મળતા એસડીઆરએફની ટીમે મહિલાની શોધખોળ શરૂ કરી છે. જો કે હજુ સુધી મહિલાનો કોઈ હતોપતો મળ્યો નથી.
મહિલાની ઓળખ ગુજરાતના અમદાવાદના રહેવાસી રમેશભાઈ ઠક્કરની પત્ની નીલુબેન તરીકે થઈ છે. મળતી માહિતી અનુસાર, SDRFના જણાવ્યા મુજબ ગુજરાતમાંથી મુસાફરોનું એક જૂથ ઋષિકેશની મુલાકાતે આવ્યું હતું. તેઓની સાથે નીલુબેન આશ્રમમાં રહેતા હતા.
મંગળવારે નીલુબેન ગંગા નદીના મસ્તરામ ઘાટ પર ન્હાવા ગયા હતા. દરમિયાન, ગંગાનું જળસ્તર અચાનક વધી ગયું હતું અને તેણીનો પગ લપસવાને કારણે તેઓ જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા. ઘટના અંગે આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી SDAF ટીમે તેમને બચાવવા અભિયાન શરૂ કર્યું છે.