સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં NIA ની ટીમ મળસ્કે પહોંચી છે. સ્થાનિક પોલીસની મદદથી એક 17 વર્ષના યુવકની અટકાયત કરવામાં આવી છે. પીસીબીની ઓફિસમાં તેને બેસાડીને અગાઉથી પ્રાપ્ત ઈન્પુટના આધારે પૂછપરછ ચાલી રહી છે. પોલીસ જનતા માર્કેટમાં પણ તપાસ કરી રહી હોવાનું સુત્રો દ્વારા આધારભૂત રીતે જાણવા મળ્યું છે. NIA ની વખતોવખત સુરતમાં એન્ટ્રીથી કોઈ મોટા છુપા કાવતરાને અંજામ અપાઈ રહ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. NIA ની ટીમ પટનાથી લઈને દરભંગામાં પણ મોટા ઓપરેશનને આજે મળસ્કેથી અંજામ આપી રહી છે જોકે આ બંને સ્થળોને સુરત સાથે કોઈ લિંક છે કે કેમ એ કહી શકાય એમ નથી. પોલીસ એક્શન બાદ કોઈ મોટો ધડાકો કરશે તેવો અંદાજ અધિકારીઓ તરફથી જરૂર મળી રહ્યો છે.
પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, NIA ટીમનાં શહેરના લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં મળસ્કે 4 વાગ્યેથી ધામાં છે. સ્થાનિક પોલીસની મદદથી NIA કોઈ મોટા ઈન્પુટ સાથે ઓપરેશનની ફિરાકમાં હોવાનું કહેવાય છે. સુત્રોના દાવાને માનીએ તો, હાલ એક 17 વર્ષના યુવકને NIA ટીમ PCB ઓફિસમાં ઉચકી લાવી છે. આ યુવક અંગે કહેવાય છે કે એ વોટ્સએપના કોઈ શંકાસ્પદ વિદેશી ગ્રુપનો મેમ્બર હતો. તેની પૂછપરછના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એ ઉપરાંત પોલીસ જનતા માર્કેટમાં પણ તપાસનો દૌર લંબાવી રહી હોવાની વિગતો સાંપડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં NIA ટીમ પહોંચી બરાબર એ સમયે બિહારની રાજધાની પટનાથી દરભંગા સુધી પણ એ અચાનક એક્શનમાં આવી ગઈ હોવાની વિગતો સાંપડી છે. NIAની ટીમે પટનાના ફુલવારીશરીફમાં ઇમારત-એ-શરિયા પાસે એક પુસ્તકની દુકાન પર દરોડો પાડ્યો હતો. બીજી તરફ, બીજી ટીમે દરભંગા જિલ્લાના બેહેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન એક શંકાસ્પદ યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. જોકે, સુરતની કાર્યવાહી અને બિહારની કાર્યવાહી વચ્ચે કોઈ કનેક્શન છે કે કેમ એ અંગે કોઈ સત્તાવાર ફોડ પાડવામાં આવી નથી રહ્યો.