મોબાઈલ સેવાધારકોની સંખ્યામાં ઝડપભેર ઘટાડો નોંધાઈ રહ્યો છે. કથળતી સેવાઓ અને મોંઘવારીને પગલે લોકો મોબાઈલની જરૂરિયાત ઘટાડવા તરફ વળ્યા છે. 2022માં ગુજરાતમાં 14 લાખ મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સનો ચોંકાવનારો ઘટાડો નોંધાયો છે. ટેલીકોમ સબ્સ્ક્રીપ્શન રિપોર્ટના લેટેસ્ટ આંકડાઓ કહે છે કે, ડિસેમ્બર 2022૨માં ટેલીકોમ સબસ્ક્રાઇબર્સની સંખ્યા 6,60,65,871 નોંધાઈ છે જે 2021ના ડિસેમ્બરમાં 6,74,74,267 હતી.
ટેલિકોમ ઇન્ડસ્ટ્રીના જાણકારો આ માટે એવો તર્ક રજૂ કરી રહ્યા છે કે, કોરોના વખતે લોકડાઉન તબક્કામાં લોકોએ વધારાના કનેક્શન લીધા હતા જે હવે લોકો પરત કરી રહ્યા હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. હકીકત એ પણ છે કે, સતત વધતી મોંઘવારીને કારણે મોબાઈલનો ખર્ચ લોકો ઓછો કરવા પર આવી ગયા છે. બાળકોને ઓનલાઈન શિક્ષણ તેમજ ઓનલાઈન વર્ક માટે લોકોએ એકથી વધારે કનેક્શન લીધા હતા. એ સમય પસાર થયા બાદ ઘણાં કનેક્શન વાપર્યા વગરના પડી રહેતા આપોઆપ ડીસક્નેક્ટ થતાં ગયા. હવે લોકોએ પોતાના આ વધારાના કનેક્શન જમા કરાવવા માંડતા ચિત્ર એવું ઉપસી રહ્યું છે કે, સબસ્ક્રાઇબર્સની સંખ્યા ઘટી ગઇ.
કંપની અનુસાર આ વિગતો પર નજર કરીએ તો, વોડાફોન આઇડિયા લિમિટેડ (વીઆઇએલ)એ એક જ વર્ષમાં સૌથી વધારે 12.62 લાખ સબસ્ક્રાઇબર્સ ગુમાવ્યા છે ત્યારબાદ નંબર આવે છે બીએસએનએલનો, જેણે એ સમયગાળામાં 4.17 લાખ ગ્રાહકો ગુમાવ્યા તો એરટેલના પણ 3.26 લાખ ગ્રાહકો તેનાથી વિમુખ થયા છે.