આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ ગયું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતની બેઠકો પર પણ મતદારોને ભારે સંખ્યામાં બહાર લાવવામાં નિષ્ફળ જ રહ્યા છે. 93 બેઠકો પર 833 ઉમેદવારોનું ભાવિ હવે ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે. આજે બનાસકાંઠાની 9, પાટણની 4, મહેસાણાની 7, સાબરકાંઠાની 4, અરવલ્લીની 3, ગાંધીનગરની 5, અમદાવાદની 21, આણંદની 7, ખેડાની 6, મહીસાગરની 3, પંચમહાલની 5, દાહોદની 6, વડોદરાની 10, છોટા ઉદેપુરની 3 બેઠકો માટે મતદાન થયું હતું.
ડીસામાં મતાધિકાર માટે જાગૃતિની જવલ્લે જ જોવા મળે તેવું ઉદાહરણ જોવા મળ્યું છે. વેન્ટિલેટર ઉપર રહેલા 80 વર્ષીય દર્દી તીર્થભાઈ ખત્રીએ મતદાન તો કરવું જ એવી તીવ્ર ઈચ્છા વ્યક્ત કરતા તેમને એમ્બ્યુલન્સમાં મતદાન કેન્દ્ર ઉપર લાવવામાં આવ્યા હતા.
આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ઈસુદાન ગઢવીએ અમદાવાદના બોપલના ઘૂમા વિસ્તારમાં મતદાન કર્યું. મતદાન બાદ તેમણે એવો દાવો કર્યો છે કે, પાર્ટીને બીજા તબક્કામાં ઓછામાં ઓછી 52 બેઠક મળશે. જણાવી દઈએ કે, પ્રથમ તબક્કાના મતદાનમાં પણ પાર્ટીને 51 બેઠકો મળવાનો દાવો ઈસુદાન ગઢવીએ કર્યો છે.
ક્રિકેટર બંધુઓ ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણે સહપરિવાર મતદાન કર્યું. ઈરફાન અને યુસુફ પઠાણે કહ્યું કે કંઈ પણ હોય પણ અમે પરિવાર સાથે મતદાન કરવા માટે અચૂક આવીએ છીએ. તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ પણ કરી.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઢોલ-નગારના તાલ પર ઝુમતા સમર્થકોના ઉત્સાહ સાથે મતદાન કરવા પહોંચ્યા, મતદાન બાદ ફૂલ ગુલાબી ઠંડીમાં હળવાશની પળો કિટલી પર ચાનો આનંદ પણ માણ્યો.
PM મોદીએ રાણીપ ખાતે મતદાન કર્યું, મત આપ્યા બાદ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. એ પૂર્વે વડાપ્રધાન મોદી ચાલતા ચાલતા મતદાન મથક સુધી પહોંચ્યા. રસ્તામાં ઠેર-ઠેર લોકોએ મોદી-મોદીના નારા લગાવી તેમનો ઉત્સાહ વધાર્યો. મતદાન બાદ પીએમ મોદીએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, લોકતંત્રના ઉત્સવ માટે દેશના નાગરિકોને હૃદયપૂર્વક અભિનંદન આપુ છું. હું ચૂંટણી પંચને પણ અભિનંદન આપુ છું કે, તેમના તંત્રએ શાનદાર રીતે સમગ્ર વિશ્વમાં ભારતના લોકતંત્રની પ્રતિષ્ઠા વધે તે રીતે ચૂંટણીનું સંચાલન કરવાની મહાન પરંપરાને વિકસાવી છે. તેનુ ઉદાહરણ આ ચૂંટણીમાં જોવા મળ્યું. તેથી હું ચૂંટણી પંચને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. ગુજરાતના મતદારોનો આભાર માનું છું કે તેઓએ આ લોકતંત્રના ઉત્સવને આનબાનશાન સાથે ઉજવ્યો. ગુજરાતની જનતામાં વિવેક છે, તે સાંભળે બધાનું છે, અને જે સાચુ છે તે સ્વીકારવાનો ગુજરાતનો સ્વભાવ છે. તે મુજબ ભારે માત્રામાં મતદાન કરી રહ્યાં છે. તમારા સૌને આભાર.
ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે મતદાન કરવા અમદાવાદ પહોંચ્યા હતા. તેમની સાથે પત્ની સોનલ શાહ, પુત્ર અને BCCI સેક્રેટરી જય શાહ પણ હતા. આ દરમિયાન અમિત શાહે લોકોને મતદાનમાં ભાગ લેવાની અપીલ કરી હતી. ગુજરાતની જનતાને ભાજપમાં વિશ્વાસ છે અને ભાજપ જંગી જીત તરફ આગળ વધી રહી છે.
વાઘોડિયા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડે અનોખી રીતે મતદાન કર્યુ હતું. તેમણે મતદાન મથક સુધી પહોંચવા મોંઘવારી સામે વિરોધ દર્શાવ્યો હતો. વાઘોડિયામાં આવેલ વેડપુર ગામે મતદાન કરવા તેઓ સાયકલ લઈને પહોંચ્યા હતા. એટલું જ નહીં સાયકલ પર ગેસનો બોટલનું પ્રતિક રાખ્યું હતું.
વિરમગામ બેઠકના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ પત્ની કિંજલ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. ચંદનનગર ગામે પ્રાથમિક શાળાના મતદાન બુથ પર હાર્દિક પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મતદાનની શરૂઆતમાં જ અમદાવાદના ખોખરામાં EVM, અરવલ્લીના મોડાસામાં, સાવલીના ટુંડામાં, દેવગઢ બારિયાના ફૂલપુરામાં, વડોદરાના પાદરામાં, બનાસકાંઠાના મીઠાવીયારણ ગામમાં અને ખાનપુરના બાકોરમાં EVM ખોટવાયા હોવાની ફરિયાદો ચૂંટણી પંચને મળી હતી. મતદારોએ ધીરજપૂર્વક ફરી મતદાન પ્રક્રિયા શરૂ થાય તેમાં સહકાર આપ્યો હતો.
વડોદરાની સયાજીગંજ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર સ્વેજલ વ્યાસે પોતાના વોટ્સએપ સ્ટેટસમાં EVM માં મતદાન કરતો વીડિયો મુકતા વિવાદ થયો છે. સ્વેજલ વ્યાસ પર આચારસંહિતા અને મતદાન ગુપ્તતાનો ભંગ કર્યાનો આક્ષેપ લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે. મતદાનના પ્રથમ તબક્કામાં પણ મતદારો અને પક્ષના કાર્યકરોએ પોતાનું હલ્કાઈભર્યું શક્તિપ્રદર્શન કરતાં તંત્રએ લાલ આંખ કરવાની ફરજ પડી હતી. વડોદરાના આ પ્રકરણમાં પણ કાયદેસરની કાર્યવાહી માટે તજવીજ શરૂ થઈ છે.