ઉતરાયણને (UTTRAYAN)હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે આ દરમિયાન કેટલાય લોકો ઉતરાયણનો તહેવાર મનાવવા વિદેશથી ગુજરાત આવતા હોય છે. તો અમદાવાદ શહેરમાં ઉત્તરાયણની ઉજવણી અલગ અંદાજમાં જ કરવામાં આવે છે. ખાસ કરીને કોટ વિસ્તારોમાં તો આખું આકાશ જ પતંગોથી ઢંકાયેલું જોવા મળે છે. આ વિસ્તારોમાં ઉત્તરાયણ ઉજવી એક અનોખો આનંદ જ આપે છે. ત્યારે હેરિટેજ સિટી એવા અમદાવાદના કોટ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી ધાબા ભાડે આપવાના ટ્રેન્ડ શરૂ થયો છે. મોંઘવારીને કારણે આ વર્ષે પતંગોની સાથે સાથે ધાબાના ભાડામાં 5થી 7 હજારનો વધારો થયો છે. એક સમયે બે દિવસ માટે રૂ. 5 હજારમાં ભાડે મળતું ધાબું આ વખતે 20 હજારમાં ભાડે મળે છે.એક મહિના પહેલાં જ લોકો ધાબાનું બૂકિંગ કરાવી દે છે.બે દિવસના ઉત્તરાયણના તહેવાર માટે લોકો પતંગ દોરીથી લઈને ડીજે પાર્ટી તેમજ ખાવા પીવામાં પણ ઘણો ખર્ચો કરતા હોય છે. મળતી માહિતી મુજબ અમદાવાદની અનેક પોળોમાં ટેરેસના રેન્ટ 25 હજારથી લઈને 3 લાખ પહોચ્યાં છે. જે ખરેખર નવાઈની વાત છે કારણે આ અગાઉ ધાબાના ભાવમાં આટલો વધારો ક્યારેય જોવા મળ્યો નથી.
ધાબાના ભાડાંમાં 5થી 7 હજારનો વધારો, મોટા ધાબાનું ભાડું રૂ. 20 હજારથી વધુ
ચાલુ વર્ષે ખાડિયા અને પોળ વિસ્તારમાં ધાબાની ડિમાન્ડ વધી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ગત વર્ષ કરતા આ વખતે ડિમાન્ડ સાથે ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને અમદાવાદ બહાર વસતા અને વિદેશથી ખાસ ઉત્તરાયણ ઉજવવા માટે આવતા NRIઓ ધાબા ભાડે રાખે છે. ગત વર્ષે નાના ધાબાના રૂ. 5થી 6 હજાર અને મોટા ધાબાના રૂ. 10થી 12 હજાર ભાડા હતા. પરંતુ આ વખતે ડિમાન્ડ વધતા ભાડામાં વધારો થયો છે અને ભાડું 20 હજારે પહોંચ્યું છે. આ વર્ષે ધાબાના ભાડામાં પાંચથી સાત હજાર જેટલો વધારો થયો છે. જો કે ભાડું વધ્યું હોવા છતાં ધાબા ભાડે મળતાં નથી. ધાબા માલિકો જાતે જ કેટરિંગ સર્વિસ સાથેના પેકેજ પૂરાં પાડી રહ્યા છે, જેમાં ફીરકી, પતંગ, મ્યૂઝિક સિસ્ટમથી લઈ બ્રેકફાસ્ટ, લંચ અને હાઈ-ટીનો સમાવેશ થાય છે.
વિદેશ અને બહારગામના લોકોની ડિમાન્ડ વધુ
ખાડીયામાં ભાડે ધાબુ આપનાર એક વ્યક્તિના જણાવ્યા મુજબ વિદેશમાં રહેતા અને અમદાવાદ, ગુજરાત બહાર રહેતા પતંગ રસિયાઓ હેરિટેજ સિટીની પોળોમાં ઉત્તરાયણની મજા લેવા માગતા હોય છે. ભાડે ધાબાની સુવિધાઓનો લાભ લેવા તેમની પાસે અમદાવાદ ઉપરાંત અલગ અલગ શહેરો અને મુંબઈમાંથી ધાબા ભાડે માટે ઇન્કવાયરી આવી રહી છે.
સાંજના સમયે ધાબા પર યંગસ્ટર્સનો ડાન્સ પાર્ટીનો ટ્રેન્ડ
સામાન્ય રીતે ઉત્તરાયણની સાંજે અંધારૂ થતાં લોકો થાકીને ઘરે જતાં હોય છે પરંતુ હવે યંગસ્ટર્સમાં મોડી સાંજે ધાબા પર ડાન્સ પાર્ટીનો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં યંગસ્ટર્સ તેમના ફ્રેન્ડ્સ સર્કલ સાથે કોઈ એક ફ્રેન્ડના ધાબે ભેગા થાય છે અને ડાન્સ પાર્ટી કરે છે. પતંગ ચગાવવાનો થાક હોવા છતાં મ્યુઝિકના તાલે યુવક-યુવતીઓ ડાન્સ કરી મોજ મસ્તી કરે છે.