ચોમાસું આ વખતે તેના પ્રથમ દિવસથી જ ખાસ કરીને ગુજરાત પર કૃપા વરસાવી રહ્યું છે. સતત વરસાદે ખેડુતોને લાંબા સમય બાદ નવી આશાઓ આપી છે. નવા નીરની આવકથી આરોગ્ય અને ધનસંપદાના આશિર્વાદ વરસ્યાનો અહેસાસ કુદરત કરાવી રહ્યું છે. માનવજાત જ નહીં અન્ય પશુ-પક્ષી અને કુદરતી જીવ સંપત્તિ પણ જાણે પ્રકૃતિની આ મેહરથી ખીલી રહી હોય તેવો આહ્લાદ આપી રહી છે. સુરતમાં આજે સવારથી ઉકાઈ ડેમમાં 2 લાખ ક્યૂસેકથી વધુ પાણીની આવક છે અને ડેમ અડધાથી વધારે ભરાઈ ચૂક્યો છે. તાપી નદીમાં હળવે-હળવે પાણી છોડાતાં નદી તેના સૌંદર્ય સ્વરૂપમાં લોકોના મન મોહી રહી છે. આ સુખદ સમાચારો વચ્ચે એક સુખદ આશ્ચર્ય ડુમસના દરિયાકિનારે જોવા મળતાં લોકોનો આનંદ અસીમ થઈ ગયો હતો. જી, હા એક તરવરતી સુંદર મજાની પારદર્શી એવી જેલી ફિશ પાણીમાં ખેંચાઈ આવી હતી.
ડુમસ બીચ પર હિલ્લોરા મારતાં પાણીમાં જેલી ફિશ જોવા મળી હતી. સચિનના ફ્રેન્ડસ ઓફ એનિમલ્સ સંસ્થાને તેની જાણ થતાં એ ડુમસ પહોંચી હતી. ટીમના જાણકાર સભ્યોએ જેલી ફિશનો સરસ રીતે કૂનેહ દર્શાવી બચાવ કર્યા બાદ ફરી તેને પ્રકૃતિના હવાલે એટલે કે ડુમસ બીચના પાણીમાં છોડી દીધી હતી. પર્યાવરણ સંસ્થા ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સના સભ્યોએ કહ્યું કે, જેલી ફિશ ક્યારેય ન મરે તેવો જીવ છે. કારણ કે તેના અંદર એવી ખાસિયતો હોય છે. જો જેલી ફિશને કાપી નાંખવામાં આવે તો તેના બે ભાગમાંથી પણ અન્ય જેલી ફિશ જન્મ લે છે. જેલી ફિશમાં 95 ટકા પાણી હોય છે. તેના કારણે આ માછલી પારદર્શક હોય છે. હાથમાં સમાઈ જાય તેવી સુંદર મજાની જેલી ફિશ ડુમસના દરિયા કિનારેથી મળતાં લોકો કૂતુહલવશ ટોળે વળ્યા હતા અને તેને થોડા જ ક્ષણો બાદ ફરી પાણીમાં છોડી મૂકાઈ હતી.
જેલી ફિશ એ તેની અનેક વિચિત્ર ખાસિયતોના કારણે વિશ્વભરના નેચર લવર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. જેલી ફિશ અમર જીવ છે. જી હા, એ ક્યારેય મરતી નથી આ ઉપરાંત પણ તેના ઘણાં ગુણ વિશ્વ વિખ્યાત છે. દુનિયાભરમાં જેલી ફિશની 1500થી વધારે પ્રજાતિ છે. અને આ માછલી જોવામાં પારદર્શી હોય છે. પરંતુ તે ખતરનાક પણ હોય છે. તેના ડંખથી માણસનું મોત પળવારમાં થઈ જાય છે. તેમજ જેલી ફિશનું અસ્તિત્વ માણસ કરતાં પણ વધારે જૂનું છે. કહેવાય છે કે, જેલી ફિશ ડાયનોસોર સમયથી ધરતી પર અસ્તિત્વ ધરાવે છે.