બાંદ્રામાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બાઇક પર સવાર બે લોકોએ ગોળીબાર કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બંનેએ લગભગ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના રવિવારે સવારે 5 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. મામલાની માહિતી મળતા જ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાંચ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ગોળીઓ કોણે ચલાવી તે અંગે તપાસ ચાલુ છે. આ ગોળીબારનો સલમાન ખાનની સુરક્ષા સાથે કોઈ સંબંધ છે કે કેમ તે અંગે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી.
ફાયરિંગ સમયે સલમાન ખાન ઘરે હાજર હતો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના બની ત્યારે સલમાન ખાન ઘરે હાજર હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કેસની તપાસમાં વ્યસ્ત છે. આ સિવાય ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. કહેવાય છે કે ફાયરિંગ કર્યા બાદ બંને બાઇક સવારો ત્યાંથી ભાગી ગયા હતા. હાલ આ ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ સલમાન ખાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે.
આજે પણ સલમાન ખાનને ધમકીઓ મળી હતી
આજે રવિવારે પણ સલમાનને લોરેન્સ બિશ્નોઈ દ્વારા ધમકી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી આપી છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન લોરેન્સે ખુલ્લેઆમ કહ્યું હતું કે તેમનું આગામી ટાર્ગેટ સલમાન ખાન છે. તે અભિનેતાને મારવા માંગે છે. આ પહેલા ગેંગસ્ટરે કેનેડામાં એક્ટર અને સિંગર ગિપ્પી ગ્રેવાલના ઘરે પણ હુમલો કર્યો હતો.