તા. 1 ડિસેમ્બર ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ અને ખાસ્સો રાજકીય તોફાની તબક્કો પૂર્ણ થયો. પ્રથમ તબક્કાના મતદાનમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થતો હતો. ગુરુવારે મતદાન પૂર્ણ થતાં જ શુક્રવારે સવારથી સુરતમાં ઈન્કમટેક્સની ડીડીઆઈ વિંગ હરકતમાં આવતાં ફફડાટ મચી ગયો છે. એટલું જ નહીં આ ઓપરેશનનો રેલો મુંબઈ સુધી પણ પહોંચી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોના કહેવા અનુસાર, 40 કરતાં વધુ સ્થળોએ આજે મળસ્કેથી ઈન્કમટેક્સના અધિકારીઓએ સર્ચની કાર્યવાહી શરૂ કરી છે. દરોડામાં 100થી વધુ અધિકારીઓનો કાફલો સામેલ હોવાનું કહેવાય છે.
ઈન્કમટેક્સ સાથે સંલગ્ન સૂત્રોનું કહેવું છે કે, આજે મળસ્કેથી ઈન્કમટેક્સની ડીડીઆઈ વિંગ એક્શનમાં આવતાં ઉદ્યોગકાર અરવિંદ અજબાનીના ધાનેરા ડાયમંડ અને ભાવના જેમ્સ પર મોટાપાયે દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, સાથે જ તેમની સાથે સંકળાયેલા બે બિલ્ડરો નરેશ વીડિયો અને હિંમતભાઈને પણ ઝપેટમાં લેવામાં આવ્યા છે. જેના કારણે આ સર્ચનો રેલો મુંબઈ સુધી પહોંચ્યો હોવાની વિગતો મળી રહી છે તો એ ઉપરાંત જમીનના ધંધા સાથે સંકળાયેલા રમેશ ચોગઠને ત્યાં પણ આ જ પ્રકારે સર્ચની કામગીરી હાથ ધરાઈ રહી હોવાની વિગતો સાંપડી રહી છે.