ભગવાનને પોતાની પીડા વ્યક્ત કરતાં પત્રો લખાય એ કોઈ નવી વાત નથી. પોતાના મનની વાત ભક્તો ઘણીવખત પત્ર સ્વરૂપે ભગવાન સમક્ષ રજૂ કરતાં આવ્યા છે.
સુરતના પુણા વિસ્તારમાં કૃષ્ણ પ્રેમીઓએ જન્માષ્ટમીનો દિવસ પોતાની વ્યથા પહોંચાડવા પસંદ કર્યો. ભગવાન જન્મદિવસે તેમને આ કપરાં સંજોગોમાંથી ઉગારવા સહાય કરે તેવી ભાવનાથી.
કૃષ્ણકનૈયાને તેમણે ખૂબ ઓછા શબ્દોમાં પણ ભાવભીનો પત્ર લખ્યો હોય એ રીતના પેમ્ફલેટ અર્પણ કર્યા અને જણાવ્યું કે, “હે કાના અમને માફ કરજે, દૂધનો ભાવ વધારો હોવાથી માખણ-મિશ્રી તને આપી નથી શકતા.”
પુણા વિસ્તારમાં આવેલી શાંતિ નિકેતન સોસાયટીના લોકોએ દર વર્ષની જેમ જ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ઉત્સાહ સાથે અને સંપૂર્ણ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો પરંતુ પ્રસાદના સ્થાને ભગવાનના ચરણકમલમાં તેમણે મોંઘવારીની વ્યથા ઠાલવી છે. વિસ્તારની મહિલાઓએ તેમની કાલીઘેલી ભાષામાં જ અલગ અલગ પેમ્ફલેટ તૈયાર કર્યા અને તેમાં માખણચોર શ્રી કૃષ્ણકનૈયાને આ વર્ષે માખણનો પ્રસાદ કેમ ચડાવી શક્યા નથી તે વ્યક્ત કર્યું છે.