એક વિચીત્ર તકરારની ઘટનામાં અમદાવાદ કસ્ટમ ઓફીસમાં ઈન્સ્પેક્ટરની એક વર્ષ પૂર્વે જામનગર બદલી થયા બાદથી પતિની ફરી અમદાવાદ બદલી કરાવવા ઓફિસને માથે લઈ કકળાટ કરી આત્મહત્યા કરવાની ધમકી આપતી મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પ્રથમ નજરે દાંમ્પત્ય જીવનનું અનોખું ઉદાહરણ જણાતા આ પ્રકરણમાં હકીકતમાં આ પતિ-પત્ની વચ્ચેનો અણબનાવ કારણભૂત હોવાનું બહાર આવતાં સમગ્ર બાબત વધુ ચોંકાવનારી થઈ રહી છે.
નવરંગપુરા પોલીસે જણાવ્યા અનુસાર, અમદાવાદ કસ્ટમની ઓફીસમાં ઇન્સપેકટર અભિષેક શુકલાની 2022 માં અમદાવાદથી જામનગર રિલાયન્સ એસ.ઇ.ઝેડ ખાતે બદલી થઈ હતી. તેઓ બદલી થતાં જ જામનગર ફરજ પર જોડાઈ પણ ગયા હતાં. અમદાવાદ કસ્ટમ હાઉસ કમિશનર કચેરીમાં છેલ્લા ત્રણ માસથી હેડ હવાલદાર પ્રમોદજી પરમારે તેમના પત્ની નુતનબેન વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ આપી છે. જામનગર પતિની બદલી થયા બાદ અમદાવાદ શહેર ઓફિસ પર એક મહિનાથી આવતા હતા અને કમિશનરને મળવાની જીદ પકડતા હતા. તેઓ અધિકારીને મળવાના બહાને સતત ઓફિસમાં આવીને સ્ટાફ સાથે તેમના કામોમાં વિઘ્ન નાખી કચેરીમાં એટલો હંગામો મચાવતા કે ઓફિસનું વાતાવરણ ખરાબ થતું હતું, કામો અટવાઈ જતા હતા.
નુતનબેન અવારનવાર ઓફિ્સમાં પહોંચીને ધમાલ મચાવતાં કે, તમો લોકોએ મારા પતિની અમદાવાદથી બદલી કરાવી છે. તમે તેમની બદલી કેન્સલ કરાવીને તેમને અમદાવાદ પરત નહીં લાવો તો હુ આત્મહત્યા કરી લઇશ. તેઓ ઝનુની બનીને સ્ટાફ ચેમ્બરમા જોરજોરથી ઘાંટાઓ પાડતાં સ્ટાફને રીતસર આ બધું માનસિક ત્રાસજનક લાગતું હતું. એટલું જ નહીં ફરિયાદમાં જણાવ્યા મુજબ, નુતનબેન ઓફિસની બહાર ઉભા રહી જતા હતા અને અધિકારીની ગાડી રોકી કહે છે કે મારી પ્રેસમાં બહુ ઓળખાણ છે એ લોકોને બોલાવીને તમારી આ બધી પ્રવૃતિઓ મીડિયામાં બહાર પાડીને તમારી પણ નોકરી લઇ લઇશ.
નુતનબેનના આવા ઉધામા અંગે જ્યારે તપાસ કરવામાં આવી તો જાણ થઈ કે, તેમના અને પતિ અભિષેક શુક્લા વચ્ચે અણબનાવ હોવાથી બંને વચ્ચે છુટાછેડાનો મુદ્દો છે. તેઓ વચ્ચે છૂટાછેડાની કાર્યવાહી ચાલતી હોવાથી બંન્ને એકબીજાથી અલગ રહેતા હતા. એ દરમિયાન પતિની જામનગરમાં બદલી થતાં આ મહિલા કચેરીમાં પહોંચી જતી અને અધિકારીઓ સાથે ગેરવર્તણુંક કરતી હતી. રોજેરોજના આ ત્રાસથી કંટાળી કચેરીના હેડ હવાલદાર પ્રમોદજી પરમારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેવટે ફરિયાદ નોંધાવી છે.