સુરતનો કાપડનો વેપાર છેલ્લા 10 મહિનાથી ધીમો ચાલી રહ્યો હતો. પાછલા વર્ષો પણ નોંધપાત્ર ન રહ્યા ત્યારે દિવાળીની સીઝન શરૂ થતાં જે આશાઓ બંધાઈ હતી એ પણ ઠગારી નીકળતાં વેપારીઓમાં સન્નાટો છે. દિવાળી આ સપ્તાહે આવી પહોંચી છે. ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતના મુખ્ય એવા ઘોડદોડ રોડ, ન્યુ અડાજણ રોડ, વરાછા ઉપરાંત ચૌટાબજાર, ભાગળ સહિતના વિસ્તારોમાં લોકોની ભીડ તો ચોક્કસ દેખાઈ રહી છે પરંતુ તેમાં તહેવારોનો ઉત્સાહ કે ઉમંગ સહેજે ઝળકી નથી રહ્યો. લોકો પરિવારની અપેક્ષાએ ખેંચીતાણીને બસ ખરીદી કરી રહ્યા હોવાનો માહૌલ વર્તાઈ રહ્યો છે. આ હાલત દરેક ક્ષેત્રમાં છે એ ભલે ફૂડ ગિફ્ટની પ્રોડક્ટ હોય કે મિઠાઈની દુકાનો. ટેક્સટાઈલ માર્કેટ હોય કે ફટાકડાંની દુકાનોમાં ઘરાકી હોય ત્યાં પણ ખરીદ શક્તિ લગભગ અડધોઅડધ કે તેથી પણ ઓછી થઈ ગઈ છે અને તેના પર આધારિત વેપારીઓ પણ વ્યથિત છે.
કેડબરીઝના ઓથોરાઈઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ અને અર્ચના એજન્સીના ઓનર હિતેશભાઈ મહેતા વર્ષોથી આ ક્ષેત્રમાં કિંગ છે. ચોકલેટ ગિફ્ટ પેકિંગ અને એવી અન્ય ફૂડ પ્રોડક્ટ સાથે ડિલ કરતાં હિતેશભાઈ સાથે જ્યારે ગુજરાત બ્રેકિંગની વાત થઈ તો એમનું કહેવું હતું કે, દિવાળીના બે મહિના પૂર્વેથી અમારા વ્યવસાયમાં હંમેશા એક કરંટ જોવા મળતો હતો પરંતુ આ વખતે એ દર મહિને અમે જે રીતે ઓર્ડર મળતો હોય છે એ રીતે જ રૂટીનમાં મેળવ્યો. પાછલા ત્રણ-ચાર વર્ષોથી જે સંજોગો હતા એમાં પણ આ વર્ષે લગભગ 50 ટકા જેટલો જ બિઝનેશ દેખાયો છે. આ સ્થિતી બદથી બદતર છે.
આવો જ અનુભવ ઘોડદોડ રોડથી લઈને ભાગળ ખાતેના નામી એવા મોટા રેડીમેઈડ ગાર્મેન્ટ્સના શોરૂમના ઓનર્સ પણ આ વખતે ધરાવી રહ્યા છે. તેઓની વાત માનીએ તો, તહેવારોની અપેક્ષાએ આ વખતે 50 ટકા પણ ધંધો રહ્યો નથી અને આ વખતે મૂડ જોતાં હવે એવું પણ નથી લાગી રહ્યું કે છેલ્લી ઘડીએ બહુ મોટા પ્રમાણમાં ઘરાકી નીકળી આવે. છેલ્લી ઘડીની ઘરાકી દર વખતે હોય છે પરંતુ આ વખતે લોકો એ મૂડમાં નથી દેખાઈ રહ્યા. હકીકતમાં આ બજારોમાં ભીડ તો તહેવારોમાં હોય તેવી જ હોય છે પરંતુ આ ભીડ ખરીદશક્તિગુમાવી ચુકી હોય એ રીતે ઓછા બજેટમાં જે મળ્યું એ ખરીદીને ચલાવી લેવાના મુડમાં છે.
વાત જો ટેક્સટાઈલ માર્કેટની કરીએ તો, સુભાષ અગ્રવાલ જેઓ છેલ્લા અઢી દાયકાથી સારો એવો ધંધો જમાવી ચૂક્યા છે તેઓ કહે છે કે, દિવાળીના એક મહિના અગાઉથી અમે પ્લાનિંગ કરીને ચાર શિફ્ટમાં કામ કર્યું હોય તો પણ કામનું ભારણ રહે એ દિવસો જોયા બાદ છેલ્લા ત્રણ વર્ષથી હાલત કફોડી થઈ છે. ગયા વર્ષનો સ્ટોક પણ અમે કાઢી શક્યા ન હતા છતાંય દિવાળી માટે થોડી ખરીદી કરી હતી. લોકો એટલા સસ્તા ભાવે પ્રોડક્ટની માંગ કરે છે કે એ ભાવે અમે ધંધો જ કરી શકીએ તેમ નથી. દિવાળીને એક અઠવાડિયું પણ બાકી નથી રહ્યું ત્યારે આજે અમે ચાર કલાક પણ દિવસમાં માંડ ધંધો કરી શકીએ છીએ.
ખરીદી સિવાયના પણ ઘણાં સેક્ટર્સ હોય છે જ્યાં દિવાળી દરમિયાન આવકની આશાઓ હોય છે. જેમકે ઈન્વેસ્ટર્સ ફિલ્ડ. ત્યાંના વાતાવરણ અંગે અમે જ્યારે 25થી વધુ વર્ષોનો બહોળો અનુભવ ધરાવતાં દેવ ફાયનાન્સના પ્રોપરાઈટર્સ મેહુલ મેહતા સાથે વાત કરી તો, તેઓનું કહેવું હતું કે, તહેવારોમાં 25 ટકા વર્ગ એવો હોય છે જે સંબંધીઓને ગિફ્ટમાં ઈન્સ્યોરન્સ કે એફડી જેવી ઈન્વેસ્ટમેન્ટ ગિફ્ટમાં આપવાનું પસંદ કરે છે. આ વખતે આ પ્રમાણ નહિવત્ છે એમ કહીએ તો એ પણ અતિશયોક્તિભર્યું નથી. મંદીના વાતાવરણમાં લોકો આવકના સ્ત્રોત તરીકે શોર્ટ ટર્મ રસ્તાઓ શોધી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ પણ તેઓને સિક્યોર નથી લાગી રહ્યા. લોકો પોતાની સિક્યોરિટીનો વિચાર પહેલા કરી રહ્યા છે અને મેરેજ કે બાળકોની સ્ટડી અથવા તો પેન્શન યોજનામાં રોકાણ વધારી તેમનું ભાવિ સિક્યોર કરવાનું વિચારે છે.