સુરતના અડાજણ વિસ્તારમાં નજીવી બાબતે ઉશ્કેરાટમાં એક યુવકે માર મારતાં 64 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું છે. મૃતક ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હત્યાના આરોપસર યુવકની ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ રતન પાર્ક એપાર્ટમેન્ટમાં લિફ્ટની અવર-જવર બાબતે થોડા સમયથી માથાકૂટ ચાલ્યા કરતી હતી. શનિવારે રાત્રે લિફ્ટ નીચે લઈ જવા બાબતે ફરી પડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી.
read more: તૃણમુલ કોંગ્રેસના સાંસદના અભદ્ર નિવેદનથી વિશ્વભરના જૈન સમાજમાં રોષ
તકરાર વધી જતાં બોની કમલેશ મહેતાએ ભાન ભૂલીને 64 વર્ષીય મહેશભાઈ સંઘવીને નાક પર ફેંટ મારતાં મહેશભાઈ લોહીલૂહાણ હાલતમાં તમ્મર ખાઈને પડી ગયા હતા. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતાં મામલો હત્યામાં પરિણમ્યો હતો.
મૃતક મહેશભાઈ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના સંબંધમાં કૌટુંબિક કાકા થતાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હત્યાના આ બનાવમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.