કોર્ટોમાં કેસોના ભરાવા અને વધતા જતાં ભારણ બાબતે છેલ્લા ઘણાં સમયથી ચિંતા વ્યક્ત થઈ રહી છે. સમયનું પાલન ન થવું એ કેસોમાં થતાં વિલંબનું એક મોટું અને સબળ કારણ છે. આ બાબતોની ચિંતાથી પ્રેરાઈને ગુજરાતની નીચલી અદાલતોમાં ન્યાયમૂર્તિઓને કામકાજના દિવસોમાં પુરો સમય પાલન કરવા અંગે રિપોર્ટ કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. એટલું જ નહીં સમય બાબતે નિયમીત નહી રહેતા તથા સમયનું ચૂસ્ત રીતે પાલન નહી કરતા ન્યાયમૂર્તિઓ સામે આકરા પગલાની ચેતવણી પણ આપી છે.
ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા જારી ચાર વર્ષ પુર્વેના આ સકર્યુલર પછી પણ અદાલતોના કામકાજ અંગે, ખાસ કરીને સમયપાલનમાં સુધારો નહી થતા હવે અનિયમીત ન્યાયમૂર્તિઓ સામે એકશનની પણ ચેતવણી આપી છે.
પરિપત્રમાં જણાવ્યા અનુસાર, વારંવાર એવું જોવા મળ્યું છે કે અદાલતના કામકાજમાં સમયપાલન અને પુરો સમય અદાલતખંડમાં હાજર રહેવા માટે વારંવાર અપાયેલી સૂચનાનું પાલન કરવામાં આવતું નથી. અદાલતના કામકાજના સમયમાં કોર્ટરૂમમાં ન્યાયમૂર્તિઓએ હાજરી આપીને જે ન્યાયીક કામગીરી નિશ્ચિત થયેલી હોય તેનો સમયના ચુસ્ત પાલન સાથે પુર્ણ થાય એ જરૂરી છે.આ સાથે હાઈકોર્ટે એ પણ ગંભીરતાપૂર્વક નોંધ્યું છે કે, અગાઉની સુચના છતાં કોઈ સુધારો જોવા મળ્યો નથી.
ગુજરાત હાઈકોર્ટે આ માટે સિવિલ મેન્યુઅલના ચેપ્ટરનો પેરાગ્રાફ 2 (બી)ને ટાંકી આ સુચના આપી હતી. હાઈકોર્ટે તમામ જિલ્લા અને તાલુકા અદાલતના પ્રિન્સીપાલ- જયુડીશ્યલ ઓફિસરને આ સૂચનાઓનું પાલન થાય તે જોવા જણાવ્યું છે અને તેનું પાલન નહી કરતા ન્યાયમૂર્તિઓ અંગે રિપોર્ટ હાઈકોર્ટને આપવા પણ સૂચના આપી છે.