રાજયમાં વિધાનસભાની વહેલી ચૂંટણીની અટકળો અટકી નથી રહી. રાજકીય અને વહીવટી સળવળાટ આ વાતને હવા આપી રહી છે. આ દરમિયાન સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ એવી સ્પષ્ટતા કરવાની ફરજ પડી કે હજુ અમારી પાસે પૂરતો સમય છે. અમારી વર્તમાન ભાજપ સરકારની 5 વર્ષ ની ટર્મ ડિસેમ્બરમા પૂર્ણ થવાની છે.એટલે જ્યાં સુધી સમય છે ત્યાં સુધી અમે જનતાની સેવા કરીશું. આ નિવેદન બાદ પણ વહેલી ચૂંટણીની વાતો અટકી નથી રહી, જેનો આધાર સરકારી તંત્રમાં દેખાતા ધમધમાટ પર છે.
વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારી સૂત્રો તો ત્યાં સુધી દાવો કરી રહ્યા છે કે, ગુજરાતમાં ચૂંટણી જુનમાં યોજાઈ શકે છે. દાવો તો એટલી હદે થઈ રહ્યો છે કે, એપ્રિલના અંતમાં જાહેરનામું અને જુન શરૂ થતાં મતદાનની તારીખ આવી શકે છે. આ માટે સરકારી તંત્રની દોડધામ પૂરજોશમાં ચાલી રહી છે.
હકીકતમાં દરેક જિલ્લાના કલેક્ટરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્ય કક્ષાએ સરકારી કચેરીઓના સ્ટાફની યાદી મંગાવવા સહિતનો વહીવટી ધમધમાટ પણ અંદરખાને જોવા મળી રહ્યો છે. આ અસામાન્ય સળવળાટ એ વાતની ચાડી ખાવા પૂરતો છે કે ચૂંટણી સમય કરતાં વહેલી યોજાઈ શકે છે.
ચૂંટણી પૂર્વેની તૈયારી બે દિવસમાં પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારોથી પણ આંકી શકાય છે. આમ તો, ગુજરાતમાં લાંબા સમયથી બદલીના દૌરની રાહ જોવાઈ રહી હતી. જો કે હવે સત્ર પૂરું થતાંની સાથે જ બદલી નીકળવાનું શરૂ થઈ ચૂક્યું છે. પહેલાં રાઉન્ડમાં 57 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી અને 20 આઈપીએસ અધિકારીઓને બઢતી સાથે બદલી આપતો હુકમ કરવામાં આવ્યો છે. આ બદલી ચૂંટણી સંદર્ભે મહત્વની માનવામાં આવે છે.