ટેરર ફંડિંગ પર નાકાબંધી કરવા માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના નિર્દેશ પર દેશની અન્ય એજન્સીઓએ ફરી એકવાર પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા છે. આઠ રાજ્યોમાં દરોડા દરમિયાન 150 થી વધુ PFI સભ્યોની અટકાયત કરવામાં આવી છે. તમામ શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જે રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમાં ગુજરાત, દિલ્હી, યુપી, કર્ણાટક, આસામ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ગત ગુરુવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના નેતૃત્વમાં અનેક એજન્સીઓએ દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સોથી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તે જ સમયે, મહારાષ્ટ્ર ATSએ રાજ્યમાંથી 20 લોકોની અટકાયત કરી હતી.હવે દરોડાના બીજા દૌરમાં ગુજરાત ATS પણ એક્શન મોડમાં આવી છે.
ગુજરાત ATS ની આજે વહેલી સવારથી શરૂ થયેલી કાર્યવાહીમાં અમદાવાદ , સુરત , નવસારી અને વલસાડ ઉપરાંત બનાસકાંઠાથી 15થી વધુ શકમંદોની અટકાયત કરવામાં આવી છે અને તપાસના ઈન્પુટના આધારે શરૂ થયેલી આ કાર્યવાહી હજી ચાલુ જ હોવાનું જાણવા મળી રહ્યું છે. અટકાયત કરાયેલા લોકો હવાલા સાથે સંકળાયેલા અને વિદેશમાં તેમના તાર જોડાતા હોવાનું કહેવાય છે. ધરપકડનો દૌર હજી વિસ્તરી શકે છે એવો પણ દાવો પોલીસ અધિકારીઓ તરફથી વિશ્વાસ સાથે થઈ રહ્યો છે.
અમદાવાદ, સુરત, વલસાડ તથા નવસારી જેવા ચાર શહેરોમાં દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને 20 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે એનઆઈએ તથા ઈડીની બાતમીના આધારે એટીએસ અને પોલીસ દ્વારા આ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પીએફઆઈ સાથે કનેકશન ધરાવતા લોકોને નિશાન પર લેવામાં આવ્યા હતા.