અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજક્ટનું કામ હવે પૂરજોશમાં ચાલી રહ્યું છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના રૂટમાં ડાયમંડ સિટી સુરતનું સ્ટેશન ભવ્ય બનાવવામાં આવશે. રેલવે મંત્રાલયએ ટ્વિટ કરીને સુરતના મેટ્રો સ્ટેશનના ગ્રાફિક ફોટો શેર કર્યા છે.
રેલવે મંત્રાલયે ટ્વીટ કર્યું છે કે, ડાયમંડ શહેરમાં તૈયાર થનારા આ બહુમજલી મેટ્રો સ્ટેશન સેન્ટ્રલી એસી હશે. આધુનિક અને અનેક વર્લ્ડ ક્લાસ સુવિદ્યાથી સજ્જ આ સ્ટેશન ભારતની નવી તસવીર રજૂ કરશે.
સુરતના સાંસદ તેમજ કેન્દ્ર સરકારમાં રેલવે અને ટેક્સટાઇલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે પણ ટ્વીટ કરીને તસવીરો શેર કરી છે. તેમણે ટ્વીટર પર લખ્યું છે કે, “સુરત ખાતે નિર્માણાધિન બુલેટ ટ્રેન સ્ટેશનની ગ્રાફિકલ તસવીર શેર કરી રહી છું. જે સુરત શહેરનું ગૌરવ બનશે.”
કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશના જણાવ્યા પ્રમાણે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન રૂટ પર સૌથી પહેલું તૈયાર થનારું રેલવે સ્ટેશન સુરતનું હશે. અમદાવાદ મુંબઈના રૂટ પર કુલ 12 સ્ટેશન તૈયાર કરવામાં આવશે. એક વખત બુલેટ ટ્રેન શરૂ થયા બાદ અમદાવાદથી મુંબઈ સ્ટેપેજ લીધા વગર 2.07 કલાક અને સ્ટોપેઝ સાથે 2.58 કલાકમાં પહોંચી શકાશે.
read more: રામદાસ આઠવલેએ શશિ થરૂરને અંગ્રેજી શીખવ્યું
અમદાવાદ અને સુરત વચ્ચે ટ્રેન અત્યારે સાતથી આઠ કલાકનો સમય લે છે. બુલેટ ટ્રેનની ઓપરેટિંગ ઝડપ 320 કિલોમીટર પ્રતિ કલાક હશે. તેની મહત્તમ ઝડપ 350 કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે કે વર્તમાન ટ્રેનોથી અનેકગણી હશે. એક અંદાજ પ્રમાણે 2026ના વર્ષ સુધી અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થઈ જશે.
સ્ટેશનના બિલ્ડીંગમાં ડાયમંડની ડિઝાઇન રાખવામાં આવશે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટર પર આ ફોટો શેર કર્યા છે.
ગુજરાતમાં સુરત ઉપરાંત બીલીમોરા, ભરૂચ અને વાપી ખાતે બુલેટ ટ્રેન સ્ટોપેઝ આપવામાં આવ્યા છે. તમામ ખાતે હાલ સ્ટેશન નિર્માણનું કામ ચાલી રહ્યું છે. સૌ પ્રથમ સુરતનું બુલેટ ટ્રેન સ્ટેશન તૈયાર થશે. આ ઉપરાંત ટ્રેનની પ્રથમ ટ્રાયલ સુરત અને બીલીમોરા વચ્ચે થશે. એટલે કે 50 કિલોમીટરના રૂટ વચ્ચે દેશની પ્રથમ ટ્રેન દોડશે.
મહરાષ્ટ્રમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ, થાણે, વિરાર તેમજ બોઇસરમાં સ્ટોપેઝ અપાશે. ગુજરાતમાં વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી ખાતે સ્ટેશન બનશે.