માનસિક તણાવના લીધે વિતેલા માત્ર 15 જ દિવસમાં દેશની વિવિધ મેડિકલ કોલેજોમાં ચાર રેસિડેન્ટ ડોક્ટરોએ આત્મહત્યા કરી છે. બે દિવસ પહેલા જ માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાના ચેસ પ્લેયર પણ ડો.જય સાલ્વાનું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં નિધન થયું.
આ ઘટનાઓ બાદ દેશની મેડિકલ સંસ્થાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક અભિયાન શરૂ કરી આત્મહત્યાની ઘટનાઓ પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. નેશનલ મેડિકલ કમિશન (NMC)નું કહેવું છે કે મેડિકલ વિદ્યાર્થીઓના માનસિક તણાવને ગંભીરતાથી લેતાં આયોગની એક સમિતિ લાંબા સમયથી કામ કરી રહી છે.
ટૂંક સમયમાં મેડિકલ કોલેજો માટે કડક સૂચના જારી કરવામાં આવશે. એનએમસીના એથિક્સ એન્ડ મેડિકલ રજિસ્ટ્રેશન બોર્ડના સભ્ય અને પ્રવક્તા ડૉ. યોગેન્દ્ર મલિકે જણાવ્યું હતું કે મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટનાઓ ખૂબ જ પીડાદાયક છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ભૂતપૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. મીત ઘોનિયા કહે છે કે ફરજ ઉપરાંત શોષણ અને ઓફિસ સંબંધિત ઘણા મુદ્દાઓ મેડિકલ વિદ્યાર્થીઓ માટે સમસ્યાઓ ઊભી કરી રહ્યા છે, જેના સંદર્ભમાં NMCએ કડક પગલાં લેવા જોઈએ. તેમણે કહ્યું કે મેડિકલ કોલેજોમાં આત્મહત્યાની ઘટનાઓ સતત વધી રહી છે, તેને રોકવા માટે પાયાના સ્તરે પ્રયાસો ખૂબ જરૂરી છે.