ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસીની સજા અપાઈ છે. કોર્ટે આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો હતો. કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થયાના 70 દિવસ બાદ ફેનિલને ફાંસીની સજા સંભળાવાઈ છે. કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માના પરિવારજનો હાજર હતા.
કોર્ટે કહ્યું કે હત્યા વખતે 20 વર્ષીય ગ્રીષ્મા નિઃસહાય હતી. ગ્રીષ્મા માત્ર 20 વર્ષની હતી અને તેના પણ સપના હતા, 12 ઈંચનું ચપ્પુ ગ્રીષ્માના ગળા પર હતું. જ્યારે તે આરોપીથી દૂર જવા ઈચ્છતી હતી ત્યારે ગળા પર ઘા કરતા લોહી નીકળવા લાગ્યું હતું. ગળામાંથી લોહીના ફુવારા ઉડ્યા હતા. ગ્રીષ્મા આરોપીના પગમાં પડી તો પણ આરોપીને સહેજે દયા નહોતી આવી. લોકોએ આવો હત્યાનો બનાવ કદાચ જ જોયો હશે. જેને કારણે લોકો તેની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા.
12 ફેબ્રુઆરીએ સુરતના પાસોદરામાં ફેનિલ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરિયાની છરાથી ગળું કાપી હત્યા કરી નાંખી હતી. આ કેસમાં પોલીસે 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી અને 23 પંચનામા કરવામાં આવ્યા હતા. 190 જેટલા સાક્ષીઓ અને 188 દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ સાથે ડોક્ટરના, ઇજાગ્રસ્ત વ્યક્તિ, મેડિકલ, સીસીટીવી, ઘટના પેહલાના વિડિયો, ઘટના બાદની ઓડિયો ક્લિપ તમામ પુરાવાઓ રજૂ કર્યા હતા. ફરિયાદ પક્ષ તરફથી 100થી વધુ દસ્તાવેજો અને મૌખિક જૂબાની રજૂ કરવામાં આવી અને ફેનિલને આ દરમિયાન 900થી વધારે સવાલો કરવામાં આવ્યા. જે બાદ 21 એપ્રિલે કોર્ટે ફેનિલેને દોષિત જાહેર કર્યો હતો. આજે કોર્ટ ફેનિલને ફાંસીની સજા સંભળાવી છે.
મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરવામાં આવી હતી. આરોપીમાં પસ્તાવો કે કાયદાનો ડર દેખાયો નથી.506 પાનાના જજમેન્ટમાં કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેરેસ્ટ માનતા ફેનિલને ફાંસીની સજા આપી છે.