વરસાદની સિઝન શરૂ થતાની સાથે જ શાકભાજીના ભાવમાં રેકોર્ડ ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને ટામેટાંના ભાવે રસોડાના બજેટને બગાડ્યું છે. રાજ્યમાં હાલમાં ટામેટાની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે, જ્યારે મોટાભાગના શહેરોમાં તેની કિંમત 90 રૂપિયાની આસપાસ છે. આગામી સમયમાં તેમાં વધુ વધારો થવાની સંભાવના છે.
ટામેટાના ભાવ કેમ વધ્યા?
રાજ્યમાં સુરત જેવા મહાનગરોમાં ટામેટાની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. તેના વધવાના ઘણા કારણો છે. સૌથી મોટું કારણ એવું કહેવાય છે કે મહારાષ્ટ્ર તથા અન્ય રાજ્યોમાં ભારે ગરમીને કારણે ટામેટાંના સપ્લાય અને ઉત્પાદનમાં વિક્ષેપ પડ્યો છે.
પુરવઠામાં તીવ્ર અછત
ઊંચા તાપમાનને કારણે જીજરાત તથા મહારષ્ટ્રમાં ટામેટાંની આવકમાં 35 ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે રસ્તાને નુકસાન થયું છે, જેના કારણે પુરવઠો ખોરવાઈ ગયો છે.
1 મહિનામાં ભાવ આટલો વધી ગયો
7 જુલાઈના રોજ, ટામેટાંની સરેરાશ છૂટક કિંમત 59.87 રૂપિયા પ્રતિ કિલો હતી, જે એક મહિના પહેલા 35 રૂપિયા હતી, જે 70% કરતા વધુનો ઉછાળો છે. એમેઝોન ફ્રેશ, સ્વિગી અને ઝેપ્ટો જેવી લોકપ્રિય ડિજિટલ સેવાઓ પર, દેશના ઘણા ભાગોમાં ટામેટાની કિંમત 80-90 રૂપિયાની આસપાસ છે. સેન્ટર ફોર ઇકોનોમિક ડેટા એન્ડ એનાલિસિસ (CEDA) અનુસાર, 5 જુલાઇ સુધીમાં સમગ્ર ભારતમાં સરેરાશ ટામેટાના ભાવ રૂ. 59.88 પ્રતિ કિલોએ પહોંચી ગયા હતા. ઉત્તર ભારતમાં ટામેટા 50 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે, જ્યારે ઉત્તર પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં ભાવ 71 રૂપિયા સુધી પહોંચી ગયા છે.
ગયા વર્ષે ભાવ 350 રૂપિયા સુધી પહોંચી ગયો હતો
ચોમાસા દરમિયાન શાકભાજીની કિંમતો ઘણી વખત વધી જાય છે કારણ કે વરસાદને કારણે લણણી, પેકેજિંગ અને પુરવઠાને અસર થાય છે. ગત વર્ષે ભારે વરસાદને કારણે સ્થિતિ એવી હતી કે ટામેટાંનો ભાવ 350 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો હતો. ક્રિસિલના એક રિપોર્ટ અનુસાર, ટામેટાં, ડુંગળી અને બટાકાના ભાવમાં તીવ્ર વધારાને કારણે જૂનમાં શાકાહારી થાળીના ભાવમાં 10 ટકાનો વધારો થયો છે.