સાસુ સસરાનું ધ્યાન ન રાખવું તથા વહુ તરીકેની જવાબદારી ન નિભાવવી ક્રૂરતા છે એવી સ્પષ્ટ નોંધ સાથે પતિના છુટાછેડાની અરજી કોર્ટે મંજૂર કરી છે. બીમાર સાસુની સેવા સારવાર કરવાને બદલે વહુ પિયરમાં જતી રહી હતી.
આ બનાવમાં મનોજ ( નામ બદલ્યું છે ) ના લગ્ન 30/01/2019 ના રોજ સેજલબેન ( નામ બદલ્યું છે ) સાથે થયા હતા. લગ્ન પહેલાં સેજલબેનના પિતા દ્વારા લેખિત બાંહેધરી આપેલી કે સેજલબેન સાસરીમાંથી જતા રહેશે તો તેની તમામ જવાબદારી સેજલબેનના પિતાની રહેશે. લગ્ન બાદ સેજલબેન વહુ તરીકેની જવાબદારી નિભાવતા ન હતા. બીમાર સાસુની સેવા તથા સારવાર કરવાની જગ્યાએ પિયર જતા રહ્યા હતા. એટલું જ નહીં સાસુના મરણ સમયે હાજર પણ ન હતાં. તેઓ ક્યારેય સાસુ-સસરાનું માન સન્માન જાળવતા ન હતા.
મનોજે વકીલ પ્રીતિબેન જોષી મારફત સુરત ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી.
મનોજ સાથે સેજલબેનના લગ્ન 2019 માં સુરત મુકામે થયા હતા. લગ્નજીવનમાં બાળકીનો જન્મ થયો હતો. બાળકીના જન્મ બાબતે સેજલબેને તેમના પતિ મનોજને જાણ પણ કરી ન હતી. મનોજ મુંબઈ નોકરી કરવા જતા, ત્યારે પત્ની સેજલબેન સાસુ-સસરાનું માન સન્માન રાખતા ન હતા. સાર સંભાળ રાખતા ન હતા. વહુ તરીકેની જવાબદારી નિભાવતા ન હતા. સેજલબેન આત્મહત્યા કરવાની ધમકી આપતા હતા. વારંવાર પિયર ચાલ્યા જવું, ફોનમાં આખો દિવસ વ્યસ્ત રહેવું, વહુ તરીકેની જવાબદારી ન નિભાવવી જેવા તમામ શારીરિક, માનસિક, ત્રાસ સેજલબેન અરજદાર તથા તેમના પરિવારજનોને આપતા હતા.
લગ્ન પહેલા સેજલબેને કાનમાં 70 % ઓછું સંભળાય તેવી હકીકત અરજદાર મનોજથી છુપાવી હતી. તેની જાણ પતિને લગ્ન બાદ થયી હતી. સેજલબેન મનોજ યાદવ સાથે સરખી વાત પણ કરતા ન હતા. અજાણ્યા વ્યક્તિની જેમ વાત કરતા હતા, મનોજના માતા પિતા સાથે કૃરતાભર્યું વર્તન કરતા હતા. લગ્ન પહેલા સેજલબેન બીજી અન્ય વ્યક્તિ સાથે ભાગી ગયેલા અને ત્રણ મહિના રહી પરત આવેલા જેની જાણ મનોજ યાદવને લગ્ન પહેલા થતા લગ્ન પહેલા સેજલબેનના પિતાએ લેખિત બાહેધરી આપેલી કે સેજલબેન સાસરું છોડીને બીજે નહીં જશે. જો જશે તો સેજલબેનના પિતાની જવાબદારી રહેશે.
લગ્ન બાદ સેજલબેન મનોજ તથા તેના પરિવારજનો સાથે ક્રૂર વર્તન કરતા હતા. આ બાબતે મનોજની બહેને પોલીસ ફરિયાદ સેજલબેન વિરુદ્ધ કરી હતી. મનોજના માતાનું અવસાન 2021 માં થયું હતું. એ વખતે પણ સેજલબેન હાજર રહ્યા નહોતા. સેજલબેનના તમામ ત્રાસ તથા રજૂ કરેલા પુરાવાઓને ધ્યાનમાં લઇ સુરત ફેમિલી કોર્ટના જજ એમ.એમ.પટેલે છુટાછેડા અરજી મંજૂર રાખી છે.
અરજદાર તરફે વકીલ પ્રીતિબેન જોષીએ હાજર રહી દલીલ કરી હતી કે સાસુ સસરાની જવાબદારી ન નિભાવવી, લગ્ન પહેલાંની કાનની 70% બહેરાશની બીમારી છુપાવવી તથા ઘરની વહુ તરીકેની જવાબદારી “ ન “ નિભાવવી તે ક્રૂરતા ગણાય. અરજદાર પતિ તરફે એડવોકેટ પ્રીતિબેન જોષી દ્વારા રજૂઆત અને ધારદાર દલીલોથી અરજદારની છૂટાછેડાની અરજી કોર્ટે મંજૂર કરી હતી.