માત્ર નેપાળમાં જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહાર સહિતના પડોશી રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. નેપાળમાં એક મહિનામાં આ ત્રીજો ભૂકંપ આવ્યો. નેપાળમાં ભૂકંપનું કેન્દ્ર હતું અને ઓક્ટોબરની શરૂઆતમાં અગાઉના આંચકાઓને પગલે 3 નવેમ્બરે એ જ વિસ્તારમાં ફરી ધરતી ધ્રુજી. પુનરાવર્તિત ધરતીકંપની ઘટનાઓએ નિષ્ણાતોમાં ચિંતા વધારી છે. આ સંજોગોમાં વિશેષજ્ઞો લોકોને જાગૃત રહેવા અને વધુ મોટા ભૂકંપની સંભાવના માટે તૈયાર રહેવા ચેતવ્યા છે.
અગાઉ વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જીઓલોજી સાથે સંકળાયેલા એવા જાણીતા સિસ્મોલોજિસ્ટ અજય પોલે લોકોમાં આ અંગે જાગૃતિ વધારવાની જરૂરિયાત પર ભાર મૂકતા ચેતવણી જારી કરી છે. તેમનું કહેવું છે કે નેપાળમાં સેન્ટ્રલ બેલ્ટ સક્રિયપણે ઊર્જા મુક્ત કરી રહ્યો છે, જે તેને ધરતીકંપની પ્રવૃત્તિ માટે સંવેદનશીલ વિસ્તાર બનાવે છે. આ એવી ચિંતા ઉભી કરે છે કે રીક્ટર સ્કેલ પર 8 થી વધુની તીવ્રતા સાથે એક મોટો ભૂકંપ આવી શકે તેવી શક્યતા મહત્તમ છે.
વૈજ્ઞાનિકો તો ઘણા લાંબા સમયથી ચેતવણી આપતા રહે છે કે હિમાલયનો પ્રદેશ ભારે ટેક્ટોનિક દબાણ હેઠળ છે. લગભગ 40-50 મિલિયન વર્ષો પહેલા ભારતીય પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ ત્યારે હિમાલય પર્વતમાળાની રચના થઈ હતી. વર્તમાન ભૂસ્તરીય ઘટનાઓ આ પ્રદેશને ભૂકંપ માટે સંવેદનશીલ બનાવે છે.
નિષ્ણાંતોનું માનવું છે કે હિમાલયની શ્રેણીમાં દબાણના કારણે અનેક ભૂકંપ આવવાની શક્યતાઓ સર્જાઈ શકે છે. એવો અંદાજ છે કે આ વિસ્તારમાં ભવિષ્યમાં આવતા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8થી વધી શકે છે. જો કે, મોટો ભૂકંપ ક્યારે આવશે તેની ચોક્કસ આગાહી કરવી એ હજી વિજ્ઞાન અને ટેક્નોલોજી માટે પડકાર છે.