આ વર્ષે હવે રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણીઓ સામે છે. ગુજરાતની સીમાઓ સાથે સંલગ્ન આ બંને રાજ્યોમાં જાહેર થાય એ પૂર્વે જ ચૂંટણી માટે રાજકીય પક્ષો તેમનો દમખમ બતાવવા લાગ્યા છે. ગુજરાત વિધાનસભામાં સખત પછડાટ ખાધા બાદ આમ આદમી પાર્ટીએ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તેનો પગ જમાવવા જે દાવ રમ્યો છે એ ભયાનક છે. દાયકાઓથી ગુજરાતની એકતા અને અખંડિતતા સામે તેનાથી પડકાર મળતાં જ આપ સામે લોકરોષ ફાટી નીકળે અને તેણે પોતાના પગ નીચેથી જમીન ગુમાવવાની સ્થિતિ ન આવે તો જ નવાઈ રહેશે. હકીકતમાં ગુજરાત-મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ટુકડાઓ કરી અલગ ભીલીસ્તાનની દાયકાઓ જૂની ચળવળને આ ત્રણેય પ્રદેશમાં રાજકીય રોટલો શેકવા માટે કરીને ફરી સળગાવવાનો પ્રયાસ થતાં હોબાળો મચી ગયો છે.
ભીલીસ્તાન ચળવળ કેટલી જૂની છે અને શું છે એ તમને જણાવીએ એ પૂર્વે આ મુદ્દો અત્યારે ક્યાંથી આવ્યો એ જાણી લો. હકીકતમાં ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ જૂના મુદ્દા પરથી ધૂળ ખંખેરી ગુજરાત રાજ્યથી અલગ ભીલ પ્રદેશની માંગ કરી છે.ફક્ત ગુજરાતમાં જ નહીં ચૂંટણી પૂર્વે આદિવાસીઓની લાગણીને ઉશ્કેરવા મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ આ મુદ્દો તૂલ પકડી રહ્યો છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ધારાસભ્ય ચૈતર વસાવાનું કહેવું છે કે, તેઓ આ અંગે ગુજરાત, રાજસ્થાનના આદિવાસી નેતાઓ સાથે મળીને ભીલીસ્તાન માટેની દાયકાઓ જૂની ચળવળને આગળ વધારવા જઈ રહ્યા છે.
તેમનું કહેવું છે કે, આદિવાસીઓને થતા અન્યાય અને શોષણ સામે લડત શરૂ થશે અને લાખો આદિવાસી ભીલોને હળહળતા અન્યાય સામે એક થવાનો વારો આવ્યો છે. તેમનું શોષણ અને સત્તાના સ્વાર્થ માટે થતો રાજકીય ઉપયોગ બંધ ત્યારે જ થઈ શકે છે જ્યારે અલગ ભીલીસ્તાનની રચના થાય.
ચૈતર વસાવાએ એમ પણ કહ્યું કે, આ અમારો આજનો મુદ્દો નથી, આ માગ ચાર રાજ્યોમાંથી ઉઠી છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસીઓની આ માંગ છે. ગુજરાત બહારથી પણ આ માંગ ઉઠી છે. તમે ઈતિહાસ જોઈ લો. 75 વર્ષના વિકાસની વાતો કરાય છે, પરંતુ અમારો ક્યાંય વિકાસ થતો નથી.
વિકાસની હરણફાળ ભરતાં અને વૈશ્વિક ફલક પર નામ ધરાવતાં ગુજરાત સહિત રાજ્યોના ટુકડા રાજકીય આ પ્રયાસો કેટલા સફળ થશે એ તો સમય જ કહેશે પરંતુ હવે જાણી લઈએ અલગ ભીલીસ્તાનની ચળવળ છે શું. ભીલ એ મધ્ય ભારતની એક જાતિનું નામ છે, જે મુખ્યત્વે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ત્રિપુરામાં ફેલાયેલી છે. જેમના માટે અલગ પ્રદેશ એટલે કે ભીલીસ્તાનની માંગણી થઈ રહી છે.
ભીલ શબ્દ “વીલ” પરથી આવ્યો છે જેનો અર્થ દ્રવિડિયન ભાષામાં “ધનુષ્ય” થાય છે. ભીલ જાતિના લોકોને “ભારતના ધનુષ્ય પુરુષ” તરીકે ઓળખવામાં આવે છે કેમકે, તેઓ ધનુર્વિદ્યામાં ખૂબ જ નિષ્ણાત છે. ઈતિહાસમાં લડાયક પ્રજા તરીકે આ જાતિના અનેક વીર યોદ્ધાઓ અંકિત છે. સોથી જાણીતું નામ કહી શકાય રાણા પૂંજા ભીલજીનું. તેમણે મહારાણા પ્રતાપ સાથે મળી મુગલો પાસેથી અનેક પ્રદેશ આઝાદ કરાવ્યા હતા. વર્ષ 2013 સુધી, ભીલ સમુદાય 17 મિલિયનની કુલ વસ્તી સાથે ભારતમાં સૌથી મોટો આદિવાસી સમુદાય હતો. રાણા પૂંજી ભીલજી સિવાય વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવનાર લોકોમાં સરદાર હેમસિંહ ભીલ, તાંત્યા ભીલ, દેશના ગૌરવ એવા ગુજરાતી લોકગાયિકા દિવાળીબેન ભીલ, નાનક ભીલ, સરદાર હિરીયા અને કૃષ્ણા ભીલ મોખરે છે.
હવે જાણીએ કે આ અગલ ભીલ પ્રદેશ એટલે કે ભીલીસ્તાનની માંગ કયારે અને કેવી રીતે બહાર આવી હતી. અલગ ભીલ રાજ્ય બનાવવાની માંગ મુખ્યત્વે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના આદિવાસી પટ્ટામાંથી ઉભી થતી રહે છે. આ લોકો ઇચ્છે છે કે ભીલ સમુદાયના લોકોને જ્યાંથી ભગાડવામાં આવ્યા હતા ત્યાં ફરીથી વસાવવામાં આવે જેથી આ લોકો તેમના અધિકારો અને ઓળખ પાછી મેળવી શકે. આ લોકોની એવી પણ માંગ છે કે પ્રાકૃતિક સંસાધનો પર પ્રથમ અધિકાર આદિવાસી સમુદાયનો હોવો જોઈએ.
રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને જોડીને ભીલ રાજ્ય બનાવવાની માંગ છે. આ જિલ્લાઓમાં રાજસ્થાનના દક્ષિણ જિલ્લાઓ, ડુંગરપુર, બાંસવાડા, પ્રતાપગઢ, રતલામ, ઝાબુઆ, મધ્યપ્રદેશના અલીરાજપુર, ધાર, પેટલાવાડ વગેરે છે, જ્યારે ગુજરાતના પૂર્વ જિલ્લાઓમાં પંચમહાલ, ગોધરા, દાહોદ અને ડાંગના દક્ષિણ જિલ્લાઓનો સમાવેશ થાય છે. એ ઉપરાંત મહારાષ્ટ્રના પણ ઉત્તરીય જિલ્લાઓ, જેમાં નાસિક, ધુલેનો સમાવેશ થાય છે.
આ લોકોએ 2017માં ‘ભીલ આદિજાતિ પાર્ટી’ની પણ રચના કરી હતી જેથી કરીને તેમના અધિકારોની માંગને રાજ્ય સરકારો સમક્ષ મક્કમતાથી રજૂ કરી શકાય. તેના નેતા ગુજરાતના છોટુભાઈ વસાવા છે. 1990 થી, છોટુભાઈ વસાવાએ જનતા દળ, જનતા દળ (યુનાઈટેડ) ના ઉમેદવાર તરીકે અપક્ષ તરીકે અને પછી તેમણે સ્થાપેલી ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) ના ઉમેદવાર તરીકે સતત સાત ટર્મ માટે બેઠક જીતી હતી પરંતુ 2022ના અંતમાં તેમણે અહીં કારમો પરાજ્ય જોયો અને હવે તેમને પણ અહીં અસ્તિત્વની તલાશ છે.
એ પૂર્વે ઇટાવા, યુપીમાં જન્મેલા, મામા બલેશ્વર દયાલે પાણી, જંગલ અને જમીન માટે લડવા માટે ભીલ જાતિને એક કરી હતી. એમપીના વાગડ અને આજુબાજુના વિસ્તારોમાં તેમનો જોરદાર પ્રભાવ હતો. 1977-84 દરમિયાન સાંસદમાંથી ચૂંટાયા બાદ રાજ્યસભામાં જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ પણ કર્યું. જોકે અલગ ભીલીસ્તાનની જ વાત કરીએ તો સૌથી મોટું સાહસ દાહોદ (ગુજરાત) ના લોકસભા સાંસદ સોમજીભાઈ ડામોરનું હતું જેમણે ભીલ પ્રદેશનો અલગ નકશો આપ્યો, અને આ માંગ પર જ તો 2013 માં જાંબુખંડ પાર્ટી અને પછી 2017 માં બીટીપીની રચના કરવામાં આવી.
શૈક્ષણિક ક્ષેત્રો સાથે સંકળાયેલા ઘણા બૌદ્ધિકો આ માંગને સ્વાયત્તતાના દૃષ્ટિકોણથી યોગ્ય માને છે.આરએસએસ આ માંગનો સતત અને સજ્જડ વિરોધ કરી રહ્યું છે. પ્રદેશમાં કાર્યરત સંઘ પરિવાર સાથે સંકળાયેલ વનવાસી કલ્યાણ પરિષદનું માનવું છે કે સમાજમાં ભાગલા પાડવાનું આ ડાબેરી અને મિશનરી દળોનું ષડયંત્ર છે. ગાંધીવાદી નેતાઓ પણ આ ચળવળના સખત વિરોધી છે.