વીજબીલ ભરવાના નામ પર ગુજરાતમાં સાયબર ઠગો છેલ્લા ઘણાં સમયથી સક્રીય થયા હોવાની ફરિયાદો ઊઠી રહી છે. ડીજીવીસીએલ ઉપરાંત સુરત સાયબર સેલે લોકોને સાવધ રહેવા અપીલ કરી છે. વીજબીલના મેસેજ સાથે આવતી લીંક ઓપન કરતા જ બેંક એકાઉન્ટ ખાલી થઈ જવાની ફરિયાદો રાજ્યભરમાંથી મળી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. કિમીયો તો આ જૂનો પુરાણો જ છે પરંતુ ઠગવિદ્યાએ આ વખતે વીજકંપનીના નામનો દુરપયોગ શરૂ કર્યો છે.
‘આજ રાત સુધીમાં બાકી વીજબીલ નહી ભરશો તો વીજ જોડાણ કાપી નાખવામાં આવશે’ આ પ્રકારનાં મેસેજ લોકોને કેટલાક દિવસોથી મળી રહ્યા છે. વીજ કંપનીના નામથી મોકલવામાં આવતા આવા મેસેજમાં લીંક પણ આપવામાં આવેલી હોય છે. લીંક ઓપન કરતાં જ તેમના ખાતામાંથી પૈસા ઉપડી જાય છે. વડોદરા સાઇબર ક્રાઈમના એસીપી હાર્દિક માકડીયાએ કહ્યું કે વીજજોડાણ કાપી નાખવાના આ પ્રકારના મેસેજ ઉનાળામાં મળતા હોવાનું ધ્યાન પર આવ્યું છે.
પોલીસની સાયબર સેલ દ્વારા લોકોને આવા મેસેજથી સચેત રહેવાની તાકીદ કરવા સાથે આ પ્રકારના સાયબર ક્રાઈમ સામે લોકજાગૃતિ ઝુંબેશ શરુ થઈ છે. ડીજીવીસીએલ સહિત રાજ્યની તમામ ચાર વીજ કંપનીએ પણ લોકોને આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે મેસેજ શરૂ કર્યા છે.