ઈલેક્ટ્રિસિટીના નામે ઠગાઈ સામે લોકોને માંડ સાવધાન કરવામાં આવ્યા તો હવે લોકો પાસેથી પૈસા પડાવવા માટે સાયબર ઠગોએ વધુ એક કિમીયો શોધી કાઢ્યો છે. સાયબર ઠગો હવે પેન્શનરોને નિશાન બનાવી રહ્યા છે. તેમના living certificateના નામે કોલ કરવામાં આવી રહ્યો છે. અને ટ્રેઝરી ક્લાર્ક તરીકે ઓળખાવીને living certificateના સંબંધમાં પેન્શનરોનો ડેટા માંગવામાં આવી રહ્યો છે.
ગુજરાત રેવન્યુ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ રાજ્યના તમામ જિલ્લાના તમામ પેન્શનધારકોને સાયબર ઠગથી સાવધ રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે હાલમાં એવા પ્રકારની ફરિયાદો મળી રહી છે કે સાયબર ઠગ દ્વારા તેમના મોબાઈલ નંબર પર કોલ કરવામાં આવી રહ્યા છે અને ટ્રેઝરી ખાતાના કર્મચારી તરીકે પોતાની ઓળખાણ આપીને લિવિંગ સર્ટિફિકેટના સંબંધમાં પેન્શનરોનો ડેટા માંગવામાં આવી રહ્યો છે.
રાજ્યના તમામ પેન્શનરોને જાણ કરવામાં આવી છે કે તિજોરી અને પેટા તિજોરીમાંથી લિવિંગ સર્ટિફિકેટ અંગે કોઈપણ પેન્શનરને ફોન કરીને કોઈ વિગતો માંગવામાં આવતી નથી. જો કોઈ પેન્શનરને આ પ્રકારનો કોલ આવે તો તમારો ડેટા અને માહિતી કોઈની સાથે શેર કરશો નહીં. તરત જ તમારા નજીકના ટ્રેઝરી અને સાયબર પોલીસ સ્ટેશનમાં આની જાણ કરો, જેથી સાયબર છેતરપિંડીથી બચી શકાય.