ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 402 નવા કેસની પુષ્ટિ થઈ છે. આ પછી સક્રિય કેસની કુલ સંખ્યા વધીને 1529 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોનાના કારણે વધુ બે લોકોના મોત થયા છે. જેમાં એક મૃત્યુ અમદાવાદમાં અને બીજું કચ્છ જિલ્લામાં થયું છે. રાજ્યમાં નોંધાયેલા નવા કેસોમાંથી 220 કેસ માત્ર અમદાવાદ જિલ્લાના છે. જેમાંથી 219 અમદાવાદ શહેરમાંથી સામે આવ્યા છે. રાજ્યના કુલ સક્રિય કેસોમાં અમદાવાદમાં સૌથી વધુ 780 કેસ છે. આવી સ્થિતિમાં, કોરોનાના વધતા કેસોએ સ્થાનિક વહીવટીતંત્રની ચિંતા વધારી દીધી છે. આગામી થોડા દિવસોમાં જો કોરોનાના કેસમાં કોઈ ઘટાડો નહીં થાય તો માસ્કને લઈને કડકાઈ વધારવામાં આવે તેવી શક્યતા છે.
રાજ્ય કોરોનામાં કુલ સક્રિય કેસમાં અમદાવાદ પછી રાજકોટનો ક્રમ આવે છે. રાજકોટમાં કોરોનાના 164 એક્ટિવ કેસ, સુરતમાં 140 અને વડોદરામાં 110 કેસ છે. આ પછી મોરબીમાં 78 કેસ અને મહેસાણા જિલ્લામાં 57 અને પાટનગર ગાંધીનગરમાં 34 એક્ટિવ કેસ છે. રાજ્ય સરકારના હેલ્થ બુલેટિન મુજબ, રાજ્યમાં 1590 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 1529 કોરોના કેસમાં 07 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
24 માર્ચે રાજ્યમાં 241 કેસ નોંધાયા હતા, પરંતુ છેલ્લા 24 કલાકમાં કોરોના કેસની સંખ્યા 400ને પાર કરી ગઈ છે. જેના કારણે આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. 25 માર્ચે, કુલ 402 કેસ નોંધાયા હતા, જે રાજ્યમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 1529 પર લઈ ગયા હતા. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 437 કેસ નોંધાયા છે, ત્યારબાદ ગુજરાતમાં 402 કેસ નોંધાયા છે.