મુંબઈના માહિમ સમુદ્ર કિનારા પર ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે અતિક્રમણ કરાયેલ જગ્યા પર બનેલી દરગાહને હટાવવાની ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. એક દિવસ પહેલા, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ બુધવારે તેમના ગુડી પડવા સંબોધન દરમિયાન એક ક્લિપ ચલાવી હતી અને દાવો કર્યો હતો કે મુંબઈના માહિમ બીચ પર ગેરકાયદે દરગાહનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઠાકરેએ પૂછ્યું હતું કે આ કોની દરગાહ છે? શું નવું હાજી અલી બનાવવાની તૈયારી થઈ રહી છે ? થોડા વર્ષો પહેલા આવું નહોતું. ઠાકરેએ ચેતવણી આપી હતી કે જો ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક તોડી પાડવામાં નહીં આવે તો અમે તે જ જગ્યાએ વિશાળ ગણપતિ મંદિર બનાવીશું.
બાદમાં, MNSના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા એક વિડિયો પણ શેર કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ સાહેબ (રાજ ઠાકરે) એ આજે એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો..જુઓ શું થાય છે જ્યારે સરકાર અથવા વહીવટીતંત્ર અવગણના કરે છે…અહીં માહિમમાં દરિયા પાસે મકદૂમ બાબાની દરગાહનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે. બે વર્ષ પહેલાં અહીં કંઈ નહોતું. અહીં એક નવો હાજી અલી તૈયાર થઈ રહ્યું છે. આ બધું ધોળાદિવસે થઈ રહ્યું છે, છતાં પોલીસ અને નગરપાલિકાને તેની કોઈ જાણકારી પણ નથી મળી?
તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે રાજ ઠાકરેએ મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મુંબઈ પોલીસ કમિશનરને આ જોઈને તાત્કાલિક પગલાં લેવા અને આ ગેરકાયદે બાંધકામ તોડી પાડવા વિનંતી કરી છે. નહીં તો આપણે ત્યાં મોટું ગણપતિ મંદિર બનાવીશું. હવે જે થશે તે થશે.
ઠાકરેએ કહ્યું હતું કે, હું મુસ્લિમોને પૂછવા માંગુ છું કે જેઓ દેશના બંધારણનું પાલન કરે છે, શું તમે તેની નિંદા કરો છો? હું બળ બતાવવા માંગતો નથી, પરંતુ જ્યારે તે જરૂરી હોય ત્યારે મારે તે કરવું પડશે. તેમણે કહ્યું કે માહિમમાં મકદૂમ બાબાની દરગાહની ‘ગેરકાયદેસર ‘ છે.
કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે રાજ ઠાકરે દ્વારા બહાર પાડવામાં આવેલા ફૂટેજ શેર કર્યા અને કેટલાકે દાવો કર્યો કે માહિમની રહસ્યમય દરગાહ ગૂગલ મેપ્સ પર પણ ઉપલબ્ધ છે. રાજ ઠાકરેએ કહ્યું કે તેમને જાવેદ અખ્તર જેવા મુસ્લિમો ગમે છે જેઓ પાકિસ્તાન વિરુદ્ધ બોલે છે. તેણે કહ્યું, મને જાવેદ અખ્તર જેવા લોકો ગમે છે. મને એ ભારતીય મુસ્લિમ ગમે છે જેઓ પાકિસ્તાન વિરુદ્ધ બોલે છે અને તેમને આપણી તાકાત કહે છે. જાવેદ અખ્તર આ કરે છે અને મને તેમના જેવા મુસ્લિમો ગમે છે.