ગુજરાત હવામાન વિભાગનાં વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે બિપોરજોય વાવાઝોડુ નિર્ધારીત ટ્રેક પર જ આગળ ધપી રહ્યું છે આ સાથે વાવાઝોડાનાં પ્રભાવ હેઠળ સૌરાષ્ટ્રનાં 9 જીલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શકયતા છે. અત્યાર સુધીના અનુમાન મુજબ, તે ગુરૂવારે સાંજે સૌરાષ્ટ્ર અને કચ્છને પાર કરીને ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચેના કાંઠે અથડાશે. લેન્ડફોલ સમયે બિપોરજોયની ઝડપ 125થી 150 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે. આટલું જોરદાર વાવાઝોડું ભારે વિનાશ સર્જવા સક્ષમ છે.
ચક્રવાતી તોફાન ‘બિપરજોય’ દરિયામાં 165 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. અરબી સમુદ્રમાં ઉદભવેલા શક્તિશાળી ચક્રવાત બિપરજોય ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ખૂબ જ શક્તિશાળી વાવાઝોડાને જોતા અધિકારીઓએ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 38,000થી વધુ લોકોને અત્યાર સુધી સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા.
રાજયમાં બિપોરજોયનો સામનો કરવા NDRFની 15 ટીમો અને SDRFની 12 ટીમો તૈનાત છે તો સાથોસાથ સેનાએ સિવિલ એડમિનિસ્ટ્રેશન અને NDRF સાથે મળીને રાહત કામગીરીનું આયોજન કર્યું છે. NDRFની કચ્છમાં 6, દેવભૂમિ દ્વારકામાં 3, રાજકોટમાં 2, જામનગરમાં 2 અને જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડ ખાતે એક-એક ટીમ તૈનાત કરાઈ છે. જ્યારે SDRFની કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા ખાતે બે-બે ટીમ, જ્યારે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં એક-એક ટીમ તહેનાત છે. આ ઉપરાંત સુરત ખાતે એક ટીમ રિઝર્વ રાખવામાં આવી છે.
સેનાએ વ્યૂહાત્મક સ્થળોએ પૂર રાહત એકમોને પણ તૈયાર રાખ્યા છે.રાજયમાં જામનગર કચ્છ અને દ્વારકામાં સૌથી વધુ ખતરો છે. શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે યાર્ડ અને બજાર પણ બંધ છે. લોકો સમગ્ર સ્થિતિ અંગે દહેશતમાં છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન બિપરજોય 15 જૂને કચ્છમાં ત્રાટકશે, પરંતુ તે પહેલા જ સમુદ્રમાં ઉથલપાથલ મચી ગઈ છે. દેશના અનેક રાજયોમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના 8 જિલ્લામાં હાઈ એલર્ટ છે. કેન્દ્ર સરકાર આ સમગ્ર મામલે સતત નજર રાખી રહી છે. કેન્દ્રીય મંત્રીઓને મોનિટરિંગ માટે અલગ-અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતના દ્વારકા અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાતમાં બિપરજોય વાવાઝોડા સામે વહીવટી તંત્રની કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ વાવાઝોડાના પરિણામે સંભવિત પરિસ્થિત સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનની વિગતો મેળવી અને જરૂરી સૂચનો આપ્યા હતા.
રાહત કમિશનર આલોક પાંડેએ આ સમીક્ષા બેઠકની વિગતો આપતાં જણાવ્યું હતું કે, વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં 4462, કચ્છમાં 17739, જામનગરમાં 8542, પોરબંદરમાં 3469, દેવભૂમિ દ્વારકામાં 4863, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 1936 અને રાજકોટમાં 4497 મળી કુલ 47113 લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ જિલ્લાઓમાં વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઇ ચાર હજારથી વધુ હોર્ડિંગ્સ દૂર કરાયા છે. વાવાઝોડા બાદ વીજળી પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલની 597 ટીમો તૈયાર કરવામાં આવી છે. વાયર-પોલ નો જરૂરી જથ્થો પણ સબ સ્ટેશનોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં અન્ય જિલ્લાઓમાંથી ટીમ બોલાવીને વીજ પૂરવઠો ત્વરાએ પૂર્વવત કરવા સજ્જ રહેવા તાકીદ કરવામાં આવી છે.
ભારે વરસાદ કે સંભવિત વાવાઝોડાને પગલે કોમ્યુનિકેશન સિસ્ટમને અસર પડે તો તેને પહોંચી વળવા સેટેલાઇટ ફોન્સ, હેમ રેડીયોની સેવાઓ પણ તકેદારીના ભાગરૂપે તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત ઇન્ટ્રા સર્કલ પદ્ધતિ એટલે કે મોબાઇલ સર્વિસ ઓપરેટર્સને પણ તકેદારીના ભાગરૂપે અલ્ટરનેટીવ ટાવર્સ ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે. બચાવ કાર્ય માટે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ સહાય તાત્કાલિક પૂરી પાડવા રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે.
બિપોરજોય ચક્રવાતને કારણે ગુજરાતમાં ભયંકર સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિભારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. એ વચ્ચે અરબી સમુદ્ર પર બિપોરજોય કેવી રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે તે દર્શાવતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી ચક્રવાતના વિઝ્યુઅલ્સ પણ સામે આવ્યા છે.
એકતરફ તો વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. એક દિવસમાં કુલ 87 તાલુકામાં વરસાદ પડ્યો છે. દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસ્યો છે. નવસારીના દરિયા કિનારે બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. દરિયામાં ભારે મોજા ઉછળતા આસપાસ નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે. હજીરાથી મુંબઈ જતી ONGCની લાઈનને ભારે નુકસાન થયુ છે. દરિયામાં ભારે મોજા ઉછળતા ONGCની લાઇન બહાર નીકળી ગઇ છે. ONGCના અધિકારીઓએ સમારકામની કામગીરી હાથ ધરી છે. અગમચેતીના ભાગરૂપે બહાર નીકળેલી લાઈનને ઢાંકવાની કામગીરી શરુ કરવામાં આવી છે.
વાવાઝોડાં બાદ અસરગ્રસ્ત લોકો માટે સુરત, ગાંધીનગર, વડોદરા સહિત રાજ્યભરમાં સંસ્થાઓ ફૂડપેકેટ બનાવી રહી છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના છાયા સ્વામિનારાયણ મંદિરમાં પણ હાલમાં ફુડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.