નવા ઘરોની માંગમાં ઉછાળાને કારણે સમગ્ર ગુજરાતમાં બેંકોના હાઉસિંગ ફાઇનાન્સમાં ત્રણ વર્ષમાં બમણો વધારો થઈ ગયો છે. રોગચાળા પછી, લોકો તેમના ઘરોને અપગ્રેડ કરવાનું વિચારી રહ્યા છે અને પરિણામે, માંગ આ હદે વધારે છે. ગુજરાતીઓનું ઘરનું સપનું પુરું કરવા હવે ‘હોમલોન’ એ સૌથી મહત્વનું બની ગયું છે.
કોવિડકાળ બાદ ડેવલપર્સના અંદાજો દર્શાવે છે કે સસ્તું, પ્રીમિયમ અને લક્ઝરી હાઉસિંગ સ્કીમમાં નવા ઘરોના વેચાણમાં વધારો થયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં હોમ લોન મંજુરી ડબલ થઈ ગઈ છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમીટીના રિપોર્ટ મુજબ સપ્ટેમ્બર- 2019-20 કવાટરમાં રાજયમાં હાઉસીંગ લોન ફાયનાન્સનું આઉટ સ્ટેન્ડીંગ રૂા.77065 કરોડ હતું તે 2022માં સપ્ટેમ્બર કવાટરના અંતે તે રૂા.1.51 લાખ કરોડ થઈ છે જે 97%નો વધારો દર્શાવે છે. રાજયમાં લકઝરી આવાસ કે સેમી-લકઝરી અથવા તો કહો કે સુવિધાપૂર્ણ આવાસ અને તેની સાથે જોડાયેલ અન્ય સુવિધાઓ સાથેના ફલેટથી બંગલાઓની ડિમાન્ડ વધી છે. રાજ્યમાં આર્થિક ક્રાંતિ બાદ એક વિશાળ વર્ગ છે તેની પાસે ખર્ચી શકાય તેવી આવક વધી છે અથવા તો તેઓ ઉંચા હપ્તા ભરી શકાય તેવા પગાર ધોરણો મેળવવા લાગ્યા છે. ખાસ કરીને વ્યાપાર ધંધામાં પણ હવે કમાણી વધી છે જેના કારણે ઘર ખરીદીમાં સુવિધા ઉપરાંત લકઝરી પણ એક ડિમાન્ડ બની છે. પ્રિમીયમથી લકઝરી તમામ સેગમેન્ટમાં લોકો આવાસ માંગવા લાગ્યા છે.
ક્રેડાઈ ગુજરાતના પ્રમુખ અજય પટેલ કહે છે કે કોવિડ-19ના કારણે વ્યાજદરમાં ઘટાડાનો જે ટ્રેન્ડ બન્યો હતો તેના કારણે પણ હોમ લોન લેવાનું આકર્ષણ વધી ગયુ હતું. બીજીતરફ હવે સંયુક્તના બદલે વિભકત પરિવાર વધવા લાગ્યા છે અને દરેકને પોતાનું આવાસ હોય તે પણ સુનિશ્ચિત થવા લાગ્યુ છે. ચાલુ વર્ષ એપ્રિલ માસમાં કેડાઈ દ્વારા મિલ્કતની કિંમતમાં રાજયભરમાં પ્રતિ સ્કવેર ફુટ રૂા.300-500નો વધારો જાહેર કરવામાં આવ્યો હતો અને તે મુખ્યત્વે સુરત અને અમદાવાદ જેવા મહાનગરમાં લાગુ થયો હતો જયાં પોષાય શકે તેવા આવાસ બાંધકામ જે કુલ બાંધકામના 25% થતા હતા તે ઘટીને 22% થયો હતો. આ પરિબળ છતાં પણ હોમલોન માટેની ડિમાન્ડ વધી હતી અને આવાસની કિંમત પણ વધતા લોન-ધિરાણની રકમ પણ વધી હતી.
ગુજરાતમાં મોટા શહેરો ભણી માઈગ્રેશન વધ્યું છે અને નાના શહેરો કે મહાનગરોની આસપાસના ક્ષેત્રોમાં પણ ડેવલપમેન્ટ વધતા ત્યાં વસવાટ માટે હોમ લોનની માંગ વધી છે. બિલ્ડર્સ અને ડેવલપર્સ પણ હવે બેન્કો કે નાણાકીય સંસ્થાઓ સાથે ટાઈ-અપ કરીને તેના આવાસ ખરીદનારને ઝડપથી ધિરાણ મળે તે સુવિધા આપવા લાગ્યા છે જેથી નવા ઘર ખરીદનારને સરળતા બની રહી છે જેનો પણ ફાળો હોમ લોન વધારામાં નોંધપાત્ર છે.