માર્ગો-જાહેરસ્થળો પર અવાજનું પ્રદુષણ રોકવા લાઉડ સ્પીકર- ડીજે માટે પુર્વ મંજૂરી ફરજીયાત કરવામાં આવી છે. એ ઉપરાંત ધાર્મિક સ્થળોએ પણ માઈકના અવાજ સંદર્ભે પણ કડક નિયમોની જાહેરાતથી વિવાદ ઊભો થવાના એંધાણ વર્તાયા છે. એવી તાકીદ કરવામાં આવી છે કે, ધાર્મિક સ્થળે ઉપયોગમાં લેવાતા માઈક કે લાઉડ સ્પીકરનો અવાજ સંકુલથી બહાર પણ ન નીકળવો જોઈએ. અમદાવાદ પોલીસ એક પરિપત્ર દ્વારા જાહેરસ્થળોએ માઈક્રોફોન સિસ્ટમ તથા મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ વગાડવા પર પ્રતિબંધો જાહેર કર્યા છે. આ માટે મંજૂરી પણ ફરજીયાત મેળવવાની રહેશે.
ધાર્મિક સ્થળો અંગે નિયમના પરિપત્રમાં જણાવ્યા અનુસાર, મંદિર, દહેરાસર, મસ્જિદ, ચર્ચ સહિતના ધાર્મિક સ્થળોમાં માઈક સિસ્ટમ કે સંગીતના સાધનોનો અવાજ સંકુલની બહાર ન જાય તે રીતે વ્યવસ્થા ગોઠવવાની રહેશે. ખાનગી જગ્યા તથા ઓડીટોરીયમ, કોમ્યુનિટી હોલ, કોન્ફરન્સ હોલ જેવા બંધ સ્થળોએ માઈક-લાઉડ સ્પીકરની છુટ રહેશે. પરંતુ તેમાં પણ અવાજ બહાર ન જાય તેની તકેદારી રાખવી પડશે. રેલી-સરઘસની સાથેસાથે ચાલુ વાહને માઈક વગાડવા માટે પણ પુર્વમંજૂરી ફરજીયાત રહેશે.
પોલીસ સત્તાની રુએ ચાલુ કાર્યક્રમ દરમિયાન પણ ગમે તે સમયે મંજૂરીના દસ્તાવેજોની ચકાસણી કરી શકશે અને નિયમ-શરતોનો ભંગ થવાના સંજોગોમાં મંજૂરી રદ કરવાની સાથોસાથ માઈક્રોફોનના સાધનો જપ્ત કરી શકશે. ધ્વનિ પ્રદુષણ નિયંત્રિત કરવા ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડના ડિસેમ્બર 2019ના પરિપત્રનું કડકાઈથી પાલન કરાવવા પોલીસ દ્વારા પરિપત્ર ઈસ્યુ કરવામાં આવ્યો છે. માઈક-સાઉન્ડ સિસ્ટમ વગાડવા માત્ર દિવસના સમયે જ મંજૂરી આપવાની જોગવાઈ કરવામાં આવી છે. રાત્રે 10થી સવારે 6 વાગ્યા દરમિયાન આ પ્રકારની મંજૂરી આપવામાં નહીં આવે.
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના કાયદા-નિયમોનો અમલ કરાવવા એડવોકેટ કેવિન દસ્તૂરે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી પોલીસ કોઈ પગલા લેતી ન હોવાના આક્ષેપ કર્યા છે. સુનાવણીના ત્રણ દિવસ પુર્વે જ અમદાવાદ પોલીસે આ પરિપત્ર ઈસ્યુ કર્યો. આ કેસમાં હાઈકોર્ટે નોટીસ ફટકારી છે. લગ્નપ્રસંગ, ધાર્મિક સરઘસ અથવા કોઈપણ જાહેરમાર્ગો-સ્થળો પરના કાર્યક્રમોમાં ડીજે કે મ્યુઝીક વગાડવા સાત દિવસ પુર્વે મંજૂરી ફરજીયાત કરવામાં આવી છે.
આ ઉપરાંત પોલીસના પરિપત્રમાં ડીજે-સાઉન્ડ સિસ્ટમ ભાડે આપતા ધંધાદારીઓ માટે પણ નિયમો જારી થયા છે. મંજૂરી સહિતની શરતોનું પાલન ન થયું હોય તો સાઉન્ડ સિસ્ટમ ભાડે નહીં આપવા પોલીસે તેમને કડક તાકીદ કરી છે. અહીં એ પણ જણાવી દઇએ કે, સીઆરપીસીની કલમ 144 હેઠળના અધિકાર અંતર્ગત જારી કરાયેલા નિયમોનો ભંગ આઈપીસીની કલમ 188 મુજબ ગુનો ગણાશે અને તેમાં છ માસ સુધીની જેલસજાની જોગવાઈ છે.