કોરોના કાળમાંથી હવે લગભગ રાહત મળવા લાગી છે અને લોકો ત્રણ વર્ષ બાદ અભ્યાસથી લઈને વતન આવવા-જવા ઉપરાંત પર્યટન માટે પણ તૈયાર થઈ રહ્યા છે તે જોતાં આંતરાષ્ટ્રીય એરલાઈન્સોના ભાડામાં તોતિંગ ભાવવધારો જોવા મળી રહ્યો છે. લોકોનો ટ્રાફિક જોઈને ગરજનો લાભ ઊઠાવાઈ રહ્યો છે એવી લોકોમાં લાગણી પ્રવર્તી રહી છે તો એરલાઈન્સ કંપની આ ભાવવધારા પાછળ ઈંધણના આસમાન આંબતા ભાવને જવાબદાર ઠેરવી રહી છે.
ગુજરાતની જ વાત કરીએ તો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જવા લાગ્યા છે ઉપરાંત પ્રવાસન પણ જોર પકડવા લાગ્યું છે. આંતરરાષ્ટ્રીય એરલાઈન્સોએ વિમાની ભાડામાં તોતિંગ વધારો કરી દીધો છે. ગત વર્ષની સરખામણીમાં જોઈએ તો વિમાની ભાડા 140 ટકાથી માંડીને 200 ટકા ઉંચા થઇ ગયા છે.
જુલાઈ-2021માં કેનેડાનું વન-વે વિમાની ભાડુ 75,000 જેટલું હતું તે હવે રૂા. 2.20 લાખ સુધી પહોંચી ગયું છે. એ જ પ્રમાણે લંડનનું ભાડુ ગયા વર્ષે 26,000થી 35,000 હતું તે હાલ 55,000થી 75,000 સુધી વસૂલાય છે. સૌથી વધારે ઈન-ડિમાન્ડ અમેરિકાની ફલાઈટોનું ભાડુ ગત વર્ષે 45,000થી 61,000 હતું તે હવે વધીને 1.22 લાખથી માંડીને 1.55 લાખ થયું છે. સુરતમાં નાનપુરા ખાતેથી વર્ષોના બહોળા અનુભવી એક ટ્રાવેલ્સ એજન્ટનું કહેવું છે કે, વિદેશ અભ્યાસ માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જઈ છે તેવી ગણતરીને ધ્યાાનમાં રાખીને ઇન્ટરનેશનલ એરલાઇન્સ દ્વારા ભાડામાં આ ઝીંકવામાં આવ્યો છે. સુરતની એક વિદ્યાર્થિની શ્રુતિ માટે તેના પરિવારે કેનેડાની ટીકીટ રૂા.2.25 લાખમાં ખરીદવાની નોબત આવી હતી. કોલેજમાં હાજર થવાની ડેટ મિસ થાય એમ ન હોવાથી આ વધારાનો બોજ પરિવારે સહન કરવો પડ્યો છે.
ઘોડદોડ રોડ સ્થિત એક ટ્રાવેલ્સ એજન્સીના જણાવ્યા મુજબ અમે ગ્રાહકોને વાયા દુબઈ કે એ રીતે બે-ત્રણ સ્ટોપમાં પહોંચી ભાડું સસ્તું પડે તેવું પ્લાનિંગ કરી આપતાં હોઈએ છે પરંતુ અત્યારે ભાડા એટલા વધી ગયા છે કે એ રીતે પણ ખર્યો લાંબો જ થઈ રહ્યો છે. ગ્રાહકોને સમજાવવા મુશ્કેલ પડે છે.
ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ચેરમેન વિરેન્દ્ર શાહે કહ્યું કે ગત વર્ષની સરખામણીએ આંતરરાષ્ટ્રીય વિમાની ભાડા સરેરાશ 60 થી 80 ટકા વધી ગયા છે. ડિમાન્ તો વધી જ છે પરંતુ સાથોસાથ વિમાની ઇંધણમાં વધારો ભાવવધારા માટે કારણભૂત છે. બીજી મહત્વની વાત એ કે, વિમાની કંપનીઓએ કોરોના કાળ દરમિયાન ફલાઈટ શિડ્યુલ ઘટાડ્યા હતા અને હજીસુધી એ નોર્મલ નથી. આ સિવાય ઇંધણના ભાવમાં મોટો વધારો થયો હોવાથી ખર્ચ વધી ગયો છે.