ચોમાસાએ પોતાનું જોર પકડ્યું છે, તેવામાં રાજ્યમાં ઠેર-ઠેર વરસાદી માહોલ જામ્યો છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ, ઉત્તર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતમાં બહોળા પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. તો ચાલો જાણીએ કયા વિસ્તારમાં કેવો છે વરસાદી માહોલ.
દક્ષિણ પૂર્વ વિસ્તારોમાં ધોધમાર પડશે વરસાદ
રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે, તેવામાં આગામી 5 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે રાજ્યના અનેક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. જેમાં આજે સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા-નગર હવેલી, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, અરવલ્લી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ થવાની આગાહી સાથે લોકોને સતર્ક રહેવા ચેતવણી આપી હતી.
અંબાલાલ પટેલે કરી આ આગાહી
બીજી તરફ આગાહીકાર અંબાલાલ પટેલના મતે 11 જુલાઈએ ઈસાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ દિવસે વરસાદ રહેવાની શક્યતા. વર્ષોથી આ એક નિશાની રહી છેકે, આવી પરિસ્થિતિ સર્જાય ત્યાર બાદ વરસાદી માહોલ જામે છે. 15-16 જુલાઈએ રાજ્યમાં પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા. 17-18 જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા અને 19-22 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ગુજરાતમાં આ વખતે 45 થી 55 કિલો મીટરની રફતારથી પવન ફૂંકાવવાની શક્યતા છે. આ રીતે ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી મોટા જોખમના સંકેત પણ આપી રહી છે.
5 થી 12 જુલાઈ વચ્ચે રાજ્યના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં 30 જૂનથી 1 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 2 થી 5 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 5 થી 12 જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યના ભાગોમાં પણ ભારે વરસાદ ની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ ની શક્યતા છે.
માછીમારો માટે ચેતવણી
સાબરકાંઠા, મહેસાણા અરવલ્લી, મહીસાગર, સુરત આણંદ, નવસારી, વલસાડ માટે ભારે વરસાદની આગાહી છે. આ સાથે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે.તો બીજી તરફ હવામાન વિભાગે મંગળવાર માટેની આગાહી આપતા જણાવ્યુ છે કે, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે તેમણે રવિવારથી મંગળવાર સુધીમાં માછીમારો માટેની ચેતવણી આપી છે.
પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખુલી
ભારે વરસાદને કારણે મુંબઈ-અમદાવાદ હાઈવે પર પાણી ભરાઈ ગયા. પારડીના ચંદ્રપુર નજીક ભરાયેલા આ પાણીને કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી. તો સુરતમાં પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખુલી છે. પહેલા વરસાદમાં જ ઉતરાણ પોલીસ સ્ટેશન પાણી પાણી થઈ ગયું. બેટ જેવા લાગતા આ પોલીસ સ્ટેશનને કારણે ભારે હાલાકી ભોગવવી પડી. તો બોટાદના તુલસીનગર જ્યાં પાણી ગામમાં ઘૂસી જતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી.