વિવિધ પ્લેકાર્ડસ સાથે સુત્રોચ્ચાર કરતાં સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી એક મજબૂત મેસેજ તંત્રને પહોંચાડ્યો
શહેર મધ્યે અને તમામ કચેરીઓની સાથે જોડાયેલા નાનપુરા બહુમાળી ભવનથી નીકળ્યા બાદ વકીલોને સ્થાયી ઠેકાણું નથી મળી રહ્યું. આ ચોથું ઘર બદલાવવા સરકાર જઈ રહી છે ત્યારે વકીલોમાં રોષ છે. વકીલો એ વાત કોઈ રીતે સ્વીકારવા તૈયાર નથી કે તેમને છેક શહેરની બહાર ધકેલી દેવામાં આવે.
વકીલોની સાથોસાથ કોર્ટના નાના-મોટા કામ માટે લોકોએ પણ ત્યા સુધી પહોંચવું ખૂબ આકરું હોવાથી વકીલોએ લડત શરૂ કરી છે.
જે દિવસે જીઆવ બુડિયા રોડ પર કોર્ટ બિલ્ડિંગ લઈ જવાની વાત આવી એ દિવસથી જ આ નિર્ણયનો વકીલ આલમમાં વિરોધ થઈ રહ્યો છે.
જે વકીલો એ વિસ્તારની આસપાસ રહે છે એ લોકોને પણ એ સ્થળ ફાવી શકે તેમ જ નથી. કોર્ટના નાના-મોટા કામો માટે તેઓએ અઠવાઈન્સનો ધક્કો તો થવાનો જ છે ત્યારે છેક ગામના છેવાડે કોર્ટ લઈ જવાનો કોઈ અર્થ સરી નથી રહ્યો એ એકદમ સરળ વાત હોવા છતાંય ત્યાં જગ્યા ફાળવીને વકીલોને અન્યાય કરવામાં આવ્યો હોવાનો રોષ વકીલ આલમમાં જોવા મળી રહ્યો છે.
સંખ્યાબંધ વકીલોએ રેલી દરમિયાન ગુજરાત બ્રેકિંગ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, જીયાવ બુડિયા કોર્ટ બિલ્ડિંગ લઈ જવાનું શહેરીજનોને પણ એટલું જ આકરું પડશે તેમાં કોઈ બેમત નથી.
કોર્ટ બિલ્ડિંગને ત્યાં લઈ જવાથી કોર્ટ પ્રેક્ટિસને બદલે ઓફિસ પ્રેક્ટિસ વધાવાની ભીતિ પણ સિનિયર એડવોક્ટ્સ દ્વારા વ્યક્ત થતાં એ ન્યાયના હિતમાં ન હોવાનુ તેઓએ જણાવ્યું હતું.
વકીલ આલમે આજે એકતાનું જબરદસ્ત પ્રદર્શન કરતાં એક વિશાળ રેલી નીકાળી હતી. વિવિધ પ્લેકાર્ડસ સાથે સુત્રોચ્ચાર કરતાં સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી એક મજબૂત મેસેજ તંત્રને પહોંચાડ્યો છે. કોર્ટની જગ્યા સિટીમાં જ ફાળવવામાં આવે તેવી માંગ સાથે રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી.
વકીલોએ કલેકટર સમક્ષ રજૂઆત કરતાં જીઆવ બુડિયા રોડ પર કોર્ટ બિલ્ડિંગ લઈ જવાની વાતનો વાંધો નોંધાવ્યો છે.