વડોદરામાં હ્રદયનો ધબકારો ચુકાવી દેય તેવી અકસ્માતની ઘટના સામે આવૈ છે.સમા વિસ્તારમાં ગઈકાલે મોડીરાત્રે એક દંપતી ચાલવા નીકળ્યું હતું. જેને સ્કોર્પિયો કારે અડફેટે લેતા પત્નીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.જ્યારે પતિને હાથ, પગ અને પાંસળીઓના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સમા પોલીસ દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી.
હચમચાવી દેતો અકસ્માત
સમા રોડ પર ગઈકાલે હચમચાવી દેતી અકસ્માતની ઘટના સામે આવી હતી.જેમાં વિપુલભાઈ અને તેમના પત્ની શિલ્પાબેન હિટ એન્ડ રનની ઘટનનો ભોગ બન્યા છે. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે.સીસીટીવામાં જોવા મળે છે કે, સ્કોર્પિયો કાર ખૂબ જ પૂરપાટ ઝડપે જઈ રહી હતી, અકસ્માત કર્યા બાદ કારચાલકે કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો. 100 ફૂટથી વધુ આડી થઈ કાર ઢસડાઈ હતી અને બાદમાં હોસ્પિટલ પરિસરની એક દીવાલ અને વીજપોલ તોડી અંદર ઘૂસી પલટી મારી ગઈ હતી.જે બાદ ત્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અકસ્માત અંગેની તપાસ હાથ ધરી છે.
પત્નીનું ઘટનાસ્થળ પર જ મોત
કારચાલક અકસ્માત કરીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. શિલ્પાબેનને ગંભીર ઈજા પહોંચી હોવાથી તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ વિપુલભાઈને જમણા પગ, ડાબા હાથ અને પાંસળીઓમાં ઈજા પહોંચતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા હતા. વિપુલભાઈને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.
લોકોના ટોળેટોળે એકત્ર થઈ ગયા હતા
ઘટનાની જાણ થતા સમા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી અને પોલીસે આરોપી કારચાલકની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આસપાસના CCTV ચેક કરતા એક CCTVમાં કાર અકસ્માત કરીને પલટી મારી જતી દેખાય છે. અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળેટોળે એકત્ર થઈ ગયા હતા.