શહેરમાં ઉનાળાની ઋતુમાં આગ લાગવાની ઘટના સામે આવી રહ્યા છે, ત્યારે આજે કાલાવડ રોડ પર TRP ગેમઝોનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં સયાજી હોટલ પાછળ TRP ગેમઝોનમાં ભયંકર આગ ભભૂકતા સર્જાયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થઈ ચુક્યા છે. આ સાથે હજુ પણ મોતનો આંકડો વધી શકે છે.
રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 24 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી રહી છે. અહેવાલો પ્રમાણે, આ ઘટના પછી ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન અનેક લોકોને બચાવી પણ લેવાયા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા, જેમણે સમગ્ર ગેમ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે.
મૃતદેહના ડીએનએ ટેસ્ટ કરાશે
ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગમાં મૃતદેહો ઓળખાય નહીં એ હદે સળગી ગયા હતા. આ અંગે પોલીસ કમિશનરે કહ્યું હતું કે, ‘ઘણાં મૃતદેહો બળી ગયેલા છે. હાલ કેટલાક મૃતદેહની ઓળખ પણ થઈ શકી નથી, પરંતુ અમે ડીએનએ ટેસ્ટ કરી મૃતદેહો ઓળખીશું.’
કડક કાર્યવાહી કરવા મામલે પુછતા મેયરે ચાલતી પકડી
મેયરએ કહ્યું કે, મુખ્યમંત્રી અને વડાપ્રધાનને ઘટનાની જાણ કરી છે. જવાબદારો સામે કડકમાં કડક સજા કરવામાં આવશે. હું બહાર ગામ હતી. ત્યાંથી રાજકોટ પહોંચીને તરત જ અહીં આવી છું અને સિવિલ હોસ્પિટલમાં પણ મુલાકાત માટે જવાની છું, પરંતુ કહી શકાય કે 24 લોકોના મોત નીપજ્યા બાદ શું કડક કાર્યવાહી કરવામાં આવશે. તે મામલે પૂછવામાં આવતા મેયરે ત્યાંથી ચાલતી પકડી હતી.
આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી
નાના મવા રોડ પરના TRP ગેમ ઝોનમાં અચાનક આગ લાગી હતી. ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ એટલી વિકરાળ હતી કે, પાંચ કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, ‘પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.’ બીજી તરફ, ફોરેન્સિક ટીમ પણ ગેમ ઝોનની તપાસ કરવા પહોંચી છે.
મૃતકોને 4 લાખ, ઈજાગ્રસ્તોને 50 હજાર
રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 24ના મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે ગુજરાત સરકારે મૃતકોને 4 લાખ તેમજ ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે. તેમજ આ બનાવની તપાસ માટે SITની રચના કરી છે.