અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે.ત્યારે ગુરુવારના મોડી રાતે અંબાજી-માંગરોળ રુટની એસટીની સ્લીપર કોચ બસ સાયલાના નવા સુદામડા પાસે પલટી ખાઇને ખેતરમાં ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં 40થી વધુ લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.જો કે રાહતની વાત તો એ છે કે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
એસટી વિભાગના સુત્રોના વધુમાં જણાવ્યા અનુસાર આગળ જતા વાહને ઓચિંતી બ્રેક મારતા બસના ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે.માંગરોળ ડેપોની અંબાજી-માંગરોળ રુટની એસટી બસ રાતે એકાદ વાગે સાયલા પસાર કરી ચોટીલા તરફ્ જઇ રહી હતી. ત્યારે નવા સુદામડા ગામના બોર્ડ પહેલા ચાલકે કાબુ ગુમાવતા બસ રોડની બાજુની દસ ફૂટથી વધુ ઉંડી ખાઇમાં ગલોટયા ખાતી ખેતરમાં પડી હતી.
મધરાત બાદનો સમય હોવાથી તેમાં સવાર ચાલીસ જેટલા મુસાફરો જેઓ નિંદર માણી રહ્યા હતા. તેઓ જાગી ગયા હતા અને દેકારો મચી ગયો હતો. બસે પલ્ટી ખાધા બાદ અકસ્માતની જાણ થતા આજુબાજુના લોકો તેમજ રોડ પર પસાર થતા વાહન ચાલકોએ ઇજાગ્રસ્ત લોકોને મુળી 108 એમ્બ્યુલન્સમાં સાયલા સરકારી હોસ્પીટલ ખસેડીને સારવાર અપાવી હતી. એસટી બસના કંડકટર વિજયભાઇ જોંટવા ઉ.વ 29 તથા મુસાફરી કરી રહેલ મહીલા દુર્ગાબેન પંડીત(ઉ.વ.35 રહે. ઉબા, તા.વેરાવળ-સોમનાથ)ને ગંભીર ઇજાઓ થવાથી સાયલા દવાખાને પ્રાથમિક સારવાર આપી રાજકોટ શહેરની હોસ્પિટલ ખાતે ખસેડાયા હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.
અકસ્માતની જાણ થતા ચોટીલા એસટી ડેપોના કર્મીઓ સાયલા પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.તેમજ આ અકસ્માતના પગલે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.જો કે રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં મોટી દુર્ઘટના થતા બચી હતી.