ગુજરાતના વડોદરામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. શહેરના હરણી તળાવમાં બોટ પલટી જતાં કુલ 12 લોકોના મોત થયાં છે. જેમાં બે શિક્ષકોનો સમાવેશ થાય છે. જે સમયે અકસ્માત થયો હતો. તે સમયે બોટમાં 20 વિદ્યાર્થીઓ સાથે ચાર શિક્ષકો હાજર હતા. ઘટના બાદ ફાયર ફાઇટર બચાવ કાર્યમાં લાગ્યા છે. વડોદરા કલેક્ટર એ.બી.ગોર અને પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત ઘટના સ્થળે પહોંચી ગયા છે. પ્રાથમિક તપાસમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી બહાર આવી છે.એવું માનવામાં આવે છે કે બોટમાં તેની ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીને કારણે આ અકસ્માત થયો હતો.જોકે, ફાયર વિભાગ દ્વારા 13 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર હાલ રેસ્ક્યૂ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે.
લાઈફ જેકેટ પહેર્યું ન હતું
બોટ પલટી જવાની આ ઘટનામાં વિદ્યાર્થીઓએ લાઈફ જેકેટ પહેર્યા ન હોવાનું સામે આવ્યું છે. આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા માટે બોટમાં અન્ય કોઈ વ્યવસ્થા નહોતી. વડોદરાના કલેક્ટર એ.બી.ગોરે જણાવ્યું છે કે આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે. દરમિયાન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.શિલત મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. મિસ્ત્રીએ કહ્યું કે અત્યારે સમગ્ર ધ્યાન બચાવ કાર્ય પર છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કુલ મતદાન ક્ષમતા 16 લોકોની હતી, પરંતુ વધુ વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોને સમાવવામાં આવ્યા હતા.
બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક: CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની ગોઝારી ઘટના અંગે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.