વડોદરામાં પતિ-પત્નીના સંબંધોને લઈને એક હાઈપ્રોફાઈલ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એરફોર્સ અધિકારીની પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી છે કે તેનો પતિ નપુંસક છે. લગ્ન પહેલા અને લગ્ન પછી પણ પતિએ તેની સાથે જુઠ્ઠુ બોલીને તેની નપુંસકતા છુપાવી હતી. પત્નીનો આરોપ છે કે આટલું જ નહીં, પતિએ પોતાની નપુંસકતા છુપાવવા માટે તેને ઘરમાંથી ભગાડવા માટે હિંસાનો સહારો લીધો હતો.
તેણે વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં પરણિતાએ જણાવ્યું હતું કે, મારા પતિ વડોદરા એરફોર્સ બેઝ પર તૈનાત સ્ક્વોડ્રન લીડર છે અને તેઓ નપુંસકતાથી પીડિત છે, જે અંગેની માહિતી તેમણે લગ્ન પહેલા છુપાવી હતી અને લગ્ન પછી પણ તેણે આ વાત છુપાવી હતી. આ સમસ્યાને હલ કરવાનો એ પ્રયાસ પણ નથી કરી રહ્યો હતો. વડોદરા પોલીસે મહિલાની ફરિયાદના આધારે એરફોર્સ અધિકારી સામે ગુનો નોંધ્યો છે.
પત્નીનો આરોપ છે કે પતિ વારંવાર તેને મારઝુડ કરતો હતો. 15 ફેબ્રુઆરીના રોજ તેણી પર હુમલો કર્યો હતો અને તેણીના લગ્નજીવનની ચિંતામાં તેણે ફોજદારી ફરિયાદ નોંધાવવાને બદલે સહન કર્યે રાખ્યું હતું પરંતુ બુધવારે જ્યારે તેણે તેને ફરીથી માર માર્યો, ત્યારે તેણે પોલીસનો સહારો લેવાનું જ મુનાસિબ માનીને ફરિયાદ નોંધાવી. પત્નીનો આરોપ છે કે તેણે અસહ્ય મજબૂરીમાં આ પગલું ભર્યું છે.
પત્નીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણે 2018માં એરેન્જ્ડ મેરેજ કર્યા હતા, પરંતુ જ્યારથી તે વડોદરા આવી છે ત્યારથી તેને હેરાન કરવામાં આવી રહી છે. પોલીસે આ કેસમાં મહિલાને હેરાન કરવા, ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવા અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાની કલમો લગાવી છે. વડોદરા પોલીસે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.