સુરતમાં પાલિકાની ચૂંટણીના પરિણામોમાં મોટો અપસેટ સર્જી આમ આદમી પાર્ટીએ 27 બેઠકો પર વિજય મેળવ્યો હતો. ચોંકાવનારી આ સફળતાનો નશો લાંબા સમય સુધી ટકી નથી શક્યો અને એક પછી એક નેતાઓ આપમાંથી સરકવા લાગ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. સુરતમાં આપ પત્તાના મહેલની જેમ ખરી પડી હોય એમ આજે આપના 5 કોર્પોરેટરોએ ભાજપમાં જોડાઈ જવાનું મન ગોઠવી લીધું છે. સાંજે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા આ પાંચેય કોર્પોરેટર્સને કેસરિયો ખેસ ધારણ કરાવવાના છે.
સુરતમાંથી થોડા સમય પૂર્વે જ દિગ્ગજ ઉદ્યોગપતિ મહેશ સવાણી સહિત કેટલાક પાટીદારો કાર્યકરોએ ‘આપ’માંથી રાજીનામું આપી દીધું છે. એ ઉપરાંત હાલમાં જ ગાયક કલાકાર વિજય સુવાળા સહિતના અનેક લોકોએ પણ ‘આપ’ની ટોપી ઉતારી દઈને ભાજપનો ખેસ પહેરી લીધો છે.
read more: સરસ્વતી પૂજાના મુહૂર્ત, વસંત પંચમી પર સરસ્વતી સ્ત્રોત અવશ્ય વાંચવું જોઈએ
આજે પક્ષમાં સુરતના પાંચ કોર્પોરેટર્સના રાજીનામાથી મોટું ભંગાણ પડી રહ્યું છે. આ સાથે આપમાં જોડાવાની યાદી લાંબી અને પ્રતિષ્ઠિત હોવાની શેખીની હવા નીકળતી જણાઈ રહી છે એવું પક્ષમાં પણ ચર્ચાઈ રહ્યું છે.
પાંચ કોર્પોરેટર્સના રાજીનામાની ભનક લાગતાં આમ આદર્મી પાર્ટીના કાર્યકર્તાઓ મ્યુનિ. કમિશનર પાસે દોડી ગયા હતા. ભાજપ દ્વારા ધાકધમકીથી તેમના સભ્યોને રાજીનામા આપવા મજબૂર કરાઈ રહ્યા હોવાનો દાવો પણ કર્યો હતો. સુરતમાં આમ આદમી પાર્ટીનાં 27માંથી 5 કોર્પોરેટર ખરતા તેની સંખ્યા 22ની રહી જશે.